ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની પાડોશી યુવકે સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે છરી વડે ગળું કાપી નાંખ્યી હત્યા કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સાક્ષીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુજના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખો વિરોધ અને શોક કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીઓએ મૌન કેન્ડલ માર્ચ યોજી
ભુજની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભુજની જે બી ઠક્કર કોલેજથી લઈને જ્યુબેલી ગ્રાઉન્ડ સુધી વિદ્યાર્થીઓએ મૌન કેન્ડલ માર્ચ યોજીને સાક્ષી ખાનિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથો સાથ આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને પોતાનો શ્રદ્ધાંજલિ અર્પી હતી.
''આવા ગંભીર ગુનાના કેસમાં વિલંબ થવો જોઈએ નહીં''
સાક્ષીના હત્યારા વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે વિદ્યાર્થીઓએ માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, ''આવા ગંભીર ગુનાના કેસમાં વિલંબ થવો જોઈએ નહીં તેમને તાત્કાલિક અને સખત સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવો ગુનો કરવાની હિંમત ન કરે''
યુવતીનું છરીથી ગળું કાપી હત્યા કરી હતી
ભુજના ભાગોળ - એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી, તે દરમિયાન ગાંધીધામનો યુવક મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર આવી બોલાચાલી કરી હતી ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
હત્યારો યુવક યુવતીનો પડોશી હતો
આપને જણાવીએ કે, આરોપી નામ મોહિત ગાંધીધામના ભારતનગર ખાતે યુવતીના ઘરની બાજુમાં રહે છે. જ્યારે મૃતક યુવતી ભુજની હોસ્ટેલમાં રહી બીસીએનો અભ્યાસ કરતી હતી.