યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહી એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. આ કેમ્પનું સરનામું એટલે "પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ" વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.
આવો જ એક સેવા કેમ્પ "પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ".જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ સેવા કેમ્પમાં રોજ 500 થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડોકટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ સાડા ચાર વિઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દર રોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
સેવા કેમ્પ "પી.એન. માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પી.એન. માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ચા - નાસ્તો, રહેવા, જમવા, સુવા, સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી છે. 1000 થી પણ વધારે કાર્યકરો સેવામાં જોડાયા છે.
નોંધનીય છે કે, ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત પદયાત્રીઓ માટે નિ:શુલ્ક સેવાઓ આપી હતી. જલોતરા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થા રૂપી અવસરમાં સેવાયજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે.