logo-img
Ambaji Bhadarvi Poonam Maha Mela 2025 Polices Digital Vigilance On Anti Social Elements

ભાદરવી પૂનમ મહામેળો 2025 : 'AI નજરે અંબાજી', અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી!

ભાદરવી પૂનમ મહામેળો 2025
Published by: Offbeat Team
| Last Updated: Sep 03, 2025, 07:18 AM IST

વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

'AI નજરે અંબાજી'

AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઇવ મોનીટરીંગ થાય છે. કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.

પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઇભકતો માટે ખડેપગે

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, સીસીટીવી સર્વેલન્સ સાથે એ.આઇ ટેક્નોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતિ અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાંથી મેળવેલ ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત એક સમયે મંદિરમાં કેટલાં લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ મેળવી ભીડને નિયંત્રણ કરી શકાય છે. "શો માય પાર્કિંગ" એપ દ્વારા પાર્કિંગ નિયોજન કરવામાં આવે છે. આમ મેળામાં આધુનિક ટેક્નોલોજી અને એ.આઈ.ના સમન્વયથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઇભકતો માટે નિષ્ઠાપૂર્વક ખડેપગે સેવા બજાવી રહી છે. પોલીસ અધિક્ષકશ્રીએ કહ્યું કે "યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ટેક્નોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતિને વધુ મજબૂત બનાવશે."

પોલીસ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી

અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટીંગ કેમેરા -12, AI કેમેરા - 12, સોલાર બેઝ AL કેમેરા - 20, બોડી વોર્ન કેમેરા - 90, પોલીસ વ્હીકલ માઉટીંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ GPYVB દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે, જેના દ્વારા મેળામાં કોઇપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃતિ પર બાઝ નજર રાખી તેને ડામી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now