logo-img
Ambaji Bhadarvi Maha Mela 2025 Start

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : લાખો માઈભક્તોની આસ્થાના અવસરનું કલેકટરના હસ્તે રંગેચંગે પ્રારંભ

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 06:36 AM IST

"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી ૭ સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત કરાઈ છે.


ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ

અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. કલેકટર મિહિર પટેલે લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેકટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ

મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરઝા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરશ્રીઓ અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબા ને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી ને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now