logo-img
A Huge Crowd Of Pedestrians Gathered On The Roads Of Ambaji

અંબાજી માર્ગો પર પદયાત્રીઓનું માનવ મહેરામણ ઉમટ્યું : ત્રણ દિવસમાં રેકોર્ડ બ્રેક 14.90 લાખ લોકોએ કર્યા દર્શન

અંબાજી માર્ગો પર પદયાત્રીઓનું માનવ મહેરામણ ઉમટ્યું
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 07:52 AM IST

યાત્રાધામ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો. આજે મહા મેળાનો ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 14.90 લાખથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતું. મહા મેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ છે.

જય અંબે ...બોલ માડી અંબે...અંબાજી દૂર હૈ... જાના જરૂર હૈ ના જયઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. મેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબા ના દર્શન માટે ઉમટયો છે. દાંતા- હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈભક્તોનો ઘસારો જોઈ શકાય છે. અબાલવૃદ્ધ સૌ કોઈ મા ના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

શકિત , ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઇભકતોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. જય અંબેના જયનાદ થી અરવલ્લી ની ગિરિમાળા ઓ ગુંજી રહી છે. પ્રકૃતિના રમણીય સાંનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઇભકતો અંબાજી માર્ગોપર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે.

ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સૂદુર થી માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મૌજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now