અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં બોટ પલટી જતા ત્રણ યુવકો ડૂબ્યા હતા. ત્રણ યુવક કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. બોટે સંતુલન ગુમાવતા પલટી ગઈ હતી અને ત્રણેય ડૂબ્યાની વિગતો સામે આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. પ્રથમ 2 યુવકના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ત્રીજા યુવકનો મૃતદેહ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હોવાથી ભારે જહેમત બાદ ત્રીજો મૃતદેહ કાઢવામાં ફાયરબ્રીગેડને સફળતા મળી હતી.
શકરી તળાવમાં ત્રણે યુવક ડૂબ્યા
અમદાવાદના સરખેજ માં આવેલ શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. બોટમાં ચાર યુવકો સવાર થયા હતા પરંતુ ચોથો યુવક બહાર નીકળી ગયો હતો, અને થોડીવારમાંજ બોટ પલટી ગઈ હતી ..બોટ ડૂબવાની ઘટના બનતા આસપાસના લોકોએ બુમાબુમ કરી મૂકી હતી ..ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમોએ તાત્કાલિક પહોંચી બે યુવકના મૃતદેહ શોધી કાઢ્યા હતા, બાદમાં ત્રીજા યુવક નો મૃતદેહ પણ મળી આવ્યો હતો ... ઘટનાનાને પગેલ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરુ કરી હતી . ત્રણ મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતક યુવકોના નામ
પપ્પુ ચાવડા, 18 વર્ષ
વિશાલ કિશોર ચાવડા 21 વર્ષીય
ધારાસભ્ય અમિત ઠાકર ઘટનાસ્થળે
સમગ્ર ઘટનાના પગલે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, ''વરસાદના પાણી ભરાયા હતા, પાણીમાં જે ગંદકી હોય એ હટાવવાની બોટ અહીં હોય છે, જે બોટ લઈને આ યુવાનો અંદર ગયા અને બોટનો ઉપયોગ ક્યા કારણસર કર્યો તે અંગે તપાસ બાદ જાણવા મળશે. આ કોર્પોરેશનની બોટ હતી અને એ અંદર લઈને જવાની જરૂર નહોતી, આ નિર્માણાધીન તળાવ છે''
ત્રણ યુવાનો ડૂબતા પરિજનોમાં શોક
આ ત્રણ યુવાનોની ઉંમર માત્ર 18 થી 21 વર્ષ વચ્ચેની હતી. આ દુઃખદ સમાચાર મળતાં જ તેમના પરિજનો પર શોકનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે પરિવારના કેટલાક સભ્યો રડી રડીને બેભાન થઇ ગયા હતા.