મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ નજીક આવેલી પાંજરાપોળમાં એક ગંભીર ઘટના બની છે, જ્યાં અંદાજે 15થી 20 ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ગાયો મહેસાણા પાલિકા દ્વારા શહેરમાંથી પકડીને અહીં રાખવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયોની સંભાળ માટે મહેસાણા પાલિકા તરફથી પાંજરાપોળને નાણાંકીય સહાય પણ આપવામાં આવતી હતી.
આ ગોયના મોત માટે કોણ જવાબદાર?
સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયા છે કે, ખોરાકની અછત અને યોગ્ય રીતે ચારા-પાણી નહીં મળવાથી ગાયોના મોત થયા છે. ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક ખાનગી ટ્રસ્ટના લોકો ત્યાં પહોંચ્યા અને તેમણે જોયું કે કેટલીક મૃત ગાયો ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાઈ રહી હતી. જેના કારણે તેમને શંકા ઉપજી અને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
તપાસની ઉગ્ર માંગ
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હાલ મૃત ગાયોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેથી મૃત્યુના સાચા કારણો બહાર આવી શકે, ગ્રામજનો અને ગૌપ્રેમીઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે સઘન તપાસ કરવામાં આવે અને જે જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.