ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરવામાં આવી છે, ત્યારે આ પદ સમારોહમાં પૂર્વ ભાજપ પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કરેલા નિવેદન મુદ્દે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર કેટલાક આક્ષેપો કર્યા છે.
ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સી આર પાટીલ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'સી આર પાટીલે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરતા કહ્યું કે “દિલ્હીથી પાર્ટી આવી અને એમને અમે ભૂંડી રીતે હાર અપાવી હતી, તો તમે થોડો ઇતિહાસ વાંચજો ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ બેઠક સાથે 41 લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓએ પાર્ટી બનાવી એમને પણ નથી મળ્યા'.
'તમને ગુજરાતમાં 182 સીટ આપી દઈએ તો પણ શું કરશો?'
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, 'તમને એટલો બધો અહંકાર આવી ગયો છે કે વારંવાર તમે કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. પંજાબ અને કેરેલામાં તમારી ડિપોઝિટ કેવી રીતે જપ્ત થઇ હતી, એ આખુ ભારત જાણે છે. તમને ગુજરાતની જનતાએ 156 સીટ આપી, તોડફોડ કરીને તમે 161 કરી પરંતુ તમે ગુજરાતમાં કર્યું છે શું? તમને ગુજરાતમાં 182 સીટ આપી દઈએ તો પણ શું કરશો?'