logo-img
Important Decision Of The Government In The Interest Of Asiatic Lions And Farmers

એશિયાઈ સિંહ અને ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય : પ્રતિ મંચાણ સહાય રૂ. 28821 અને પેરાપીટ વોલ સહાય રૂ. 20259

એશિયાઈ સિંહ અને ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય
Published by: Offbeat Team
| Last Updated: Oct 04, 2025, 10:36 AM IST

વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં નોંધપાત્ર 122 ટકાનો તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. આ વિસ્તારના ખડૂતોના ખેતરમાં બનવામાં આવતા મંચાણમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 થી અમલી બનાવવામાં આવી છે તેમ, વન અને પર્યાવરણની વિભાગની યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ તેમજ સ્થાનિક નાગરિકોના સહકારને પરિણામે એકમાત્ર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા રાષ્ટ્રની શાન સમાન એશિયાઇ સિંહો સહિત વન્યજીવોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ પ્રયાસોના પરિણામે સિંહોની અવર-જવર ગીર-બૃહદગીર વિસ્તાર તથા રેવન્યુ વિસ્તારમાં પણ જોવા મળે છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ યોજનામાં 75 ટકા રકમ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે જ્યારે 25 ટકા રકમ લાભાર્થી-ખેડૂત દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ એક મંચાણનો અંદાજિત ખર્ચ રૂ.17300 ના 75 ટકા રકમ એટલે કે રૂ.12975 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ મંચાણના અંદાજિત ખર્ચ રૂ. 38428 ના 75 ટકા રકમ એટેલે કે રૂ.28721 સહાય તરીકે આપવામાં આવશે. જ્યારે એક મંચાણ બનાવવાની સહાયમાં સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવતી રૂ.12975 ની સહાયમાં વધારો કરી રૂ.28821 કરવામાં આવ્યો છે. આમ, હાલની જોગવાઈમાં પ્રતિ મંચાણ રૂ.15846 રકમનો સરકાર દ્વારા વધારો એટલે કે હાલની મળતી સહાયમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ઉપરાંત આ વિસ્તારમાં ખેડૂતોની ખેતી પ્રત્યે જાગૃતતા આવતાં, વધુને વધુ ઉત્પાદન લેવા માટે વાવેતરના પાકોને પિયત કરવા ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં કૂવાઓ બનાવતા હોય છે. પરંતુ આ ખેડૂતો કૂવાઓની પેરાપેટ વોલ બનાવતાં નથી. જેના કારણે સિંહો શિકાર પાછળ દોડે છે ત્યારે અકસ્માતે તે આવા ખૂલ્લા કૂવામાં પડવાથી મૃત્યુ પામે છે અથવા ઇજાગ્રસ્ત થતા હોય છે. જેથી વન્યજીવોના સંરક્ષણ અર્થે ખુલ્લા કૂવાઓના પેરાપીટના બાંધકામની સહાય અંગે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007 થી ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનામાં 90 ટકા રકમ સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે તથા 10 ટકા રકમ લાભાર્થી-ખેડૂતોએ આપવાની રહે છે. હાલમાં એક પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ.16000 ના 90 ટકા રકમ પેટે રૂ.14400 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. 22510 ના 90 ટકા રકમ રૂ.20259 સહાય તરીકે આપવામાં આવશે.

જેમાં સરેરાશ 10 મી. લંબાઈને ધ્યાને લઈ પેરાપીટ વોલ બનાવવાની યોજનામાં સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવતી રૂ.14400 ની સહાયમાં વધારો કરી રૂ.20259 કરવામાં આવી છે. આમ, હાલની જોગવાઈમાં પ્રતિ પેરાપીટ વોલ માટે રૂ. 5859ની સહાયનો વધારો એટલે કે હાલની મળતી સહાયમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now