ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરને શનિવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાઈ રહ્યો છે. જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે. તેઓ બિન હરીફ થયા છે, તેમના સિવાય એક પણ ફોર્મ ન ભરાતા તેઓ બિન હરીફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આજે ભાજપ પ્રમુખનો પદગ્રહણ
આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અને 13માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.
સત્તાવાર જાહેરાત થશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ છે, સાથો સાથ રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળ્યા હતા. જો કે, આજે સત્તાવાર જાહેરાત થયા બાદ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળશે.