રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્સ પાવર વધારતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ ગેંગે ખાસ કોલ સેન્ટર ઉભું કર્યું હતું. કોલ સેન્ટરના માધ્યમથી લોકો સાથે સંપર્ક સાધી તેઓ પોતાને ડોકટર કે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ (એમ.આર.) તરીકે ઓળખાવતાં અને સેક્સ પાવર વધારતી દવાઓ વેચવાના પ્રયાસ કરતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી નહોતી છતાં તેઓ માન્યતા પ્રાપ્ત ડોકટર હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
પોલીસ તપાસ દરમિયાન 4000 જેટલા લોકોની યાદી મળી આવી છે જેમને છેલ્લા બે મહિનામાં આ ઉત્તેજક દવાઓ વેચવામાં આવી હતી. માત્ર વેચાણ જ નહીં પરંતુ આરોપીઓ લોકો પર દબાણ કરવા માટે ધમકીભર્યા ફોન કરતા અને ફરજિયાત દવાઓ ખરીદાવતા. આથી અનેક લોકો ત્રાસમાં આવી ફરિયાદ નોંધાવતા પોલીસને કાર્યવાહી હાથ ધરવી પડી હતી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દવાઓનું ઉત્પાદન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. હાલમાં આરોગ્ય વિભાગ તેમજ એફ.એસ.એલ. દ્વારા દવાઓની ગુણવત્તા ચકાસવામાં આવશે અને ત્યાર બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસે જણાવ્યું છે કે લોકોની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ગુન્હેગારોને કડક સજા અપાવવા માટે યોગ્ય કાર્યવાહી થશે. સાથે જ જનતાને અપીલ કરવામાં આવી છે કે આવા છેતરપિંડીયાં ફોન કે દવાનો ખોટો પ્રચાર કરતા લોકોના ભરોસામાં ન આવવું.