શિયાળાની શરૂઆત પહેલાં જ અરબી સમુદ્રમાં સક્રિય બનેલું સિઝનનું પહેલું ચક્રવાત ‘શક્તિ’ હવે ઝડપથી મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ સહિત કિનારાના અનેક જિલ્લાઓમાં હાઈ અલર્ટ જાહેર કર્યો છે.
અરબી સમુદ્રમાં વધતી તીવ્રતા
IMD મુજબ, ચક્રવાત ‘શક્તિ’ હાલ વધુ તીવ્ર બની રહ્યું છે અને ગુજરાતના દ્વારકા નજીકથી આશરે 250 કિ.મી. દૂર લેન્ડફોલ કરી શકે છે.
લેન્ડફોલ પહેલાં ચક્રવાત મુંબઈ, રાયગઢ, થાણે, સિંધુદુર્ગ, રત્નાગિરિ અને પાલઘર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર પવન સાથે વિનાશક અસર પેદા કરી શકે છે.
પાકિસ્તાન સુધી અસર
અરબી સમુદ્રમાં ચક્રવાતના કારણે ઊંચા મોજા ઉછળ્યા છે. ગઈકાલે સવારે 11:30 વાગ્યે ચક્રવાત નલિયાથી 270 કિ.મી., પોરબંદરથી 300 કિ.મી. પશ્ચિમમાં અને પાકિસ્તાનના કરાચીથી 360 કિ.મી. દક્ષિણમાં હતું.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ‘શક્તિ’ આગામી કલાકોમાં Severe Cyclonic Stormમાં પરિવર્તિત થઈ શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા સુધીમાં થોડી નબળી સ્થિતિમાં આવશે, પરંતુ તે પહેલાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસાવશે.
અન્ય રાજ્યો પર તેની અસર ઓછી રહેવાની ધારણા છે.
6 ઑક્ટોબર સુધી ચેતવણી જારી
હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ચક્રવાત શક્તિની અસર 4થી 6 ઑક્ટોબર વચ્ચે વધુ રહેશે.
5 ઑક્ટોબરે તે ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના કિનારાઓ પર સૌથી વધુ તીવ્ર બની શકે છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠે 45-65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું વધુ શક્તિશાળી બનવાની સંભાવના છે.
માછીમારો અને પ્રવાસીઓ માટે સૂચના
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેલા માછીમારોને 3થી 6 ઑક્ટોબર સુધી દરિયામાં ન ઉતરવાની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્ય સરકારોએ પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે.