નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલવાચ ગામે આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા કલવાચ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. વાલીઓનો આક્ષેપ હતો કે, શાળામાં શિક્ષણકાર્યમાં ગંભીર બેદરકારી ચાલી રહી છે, જેના કારણે આ પગલું ભર્યું છે.
શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો
સ્થાનિકોની જણાવ્યા મુજબ, શાળામાં કાર્યરત શિક્ષિકા રૂપાબેન વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપતી નથી અને શાળાની કામગીરીમાં ઉદાસિનતા દાખવે છે. વર્ષોથી ચાલતી આવી હાલતથી ગ્રામજનો કંટાળીને છેલ્લા ઉપાય તરીકે શાળાને તાળું મારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષણાધિકારી સ્કૂલે પહોંચ્યા અને મામલો થાળે પાડ્યા
શિક્ષિકાની તત્કાલ બદલી કરવામાં આવે તેવી ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે. ઘટનાની જાણ થતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાતે ઘટના સ્થળે પહોંચી ગયા અને ગ્રામજનો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડ્યો. તેમણે શાળાના શિક્ષણ સ્તરને સુધારવાના આશ્વાસનો આપ્યા અને પ્રશ્નના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાનો વાત કરી હતી