ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે. સી આર પાટીલ પછી હવે ગુજરાત કમલમની કમાન રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે. આજે પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, 'પ્રદેશ પ્રમુખ ઓળખ નથી પરંતુ ભાજપનો કાર્યકર્તા તરીકે મારી ઓળખ છે. તમામને હું હૃદયપૂર્વક વંદન કરું છું'.
'મારી ઓળખ કેસરિયો ખેસ છે'
તેમણે કહ્યું કે, 'ગુજરાતનો ખૂબ વિકાસ થયો છે તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા કે પછી GSTની સફળતા તે તમામ આપણા વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે. હું સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે'.
'ગુજરાતના પાયાના કાર્યકરો પાર્ટીની સાચી મૂડી છે'
જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, 'આપણી પૃષ્ઠ ભૂમિમાં સંઘના સંસ્કાર રહ્યા છે, છેવાડાના માનવીના જનકલ્યાણ માટે આપણે પ્રયત્નો કરવાના છે, ગુજરાતના પાયાના કાર્યકરો પાર્ટીની સાચી મૂડી છે'
''પાણીથી પાતળા થઈને ચાલવું...''
તેમણે કહ્યું કે, 'વિકાસની રાજનીતિ વડાપ્રધાને અપી છે, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા, જીએસટીમાં સુધારોએ ગર્વની વાત છે, પાણીથી પાતળા થઈને ચાલવું અને સત્તાનો નશો ના ચઢે તેનું ધ્યાન રાખવાનું છે, ભાજપ પક્ષ આત્મનિર્ભર ભારતનો પર્યાય છે'