Home Gujarat Farmers Unions Presentation To The Agriculture Minister Regarding Farmers Ripening Potatoe

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ : બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:57 PM IST

Gandhinagar news: ગુજરાતમાં બટાકાનું મબલખ ઉત્પાદન કરતો ખેડૂત અત્યારે કપરી પરિસ્થિતિમાં મુકાયો છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા અને સંગ્રહ કરવાની પૂરતી સુવિધા ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાય જાહેર કરવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

ખેડૂતો પર મંદીનો બેવડો માર

ચાલુ સીઝનમાં બટાકાના ભાવ અત્યંત નીચા સ્તરે પહોંચી ગયા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ, વેપારીઓ પણ આ સ્થિતિનો અયોગ્ય લાભ ઉઠાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ઓછી કિંમતે બટાકા ખરીદીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

કોલ્ડ સ્ટોરેજની સમસ્યા અને માલની બગાડ

બટાકા એ નાશવંત પાક હોવાથી તેને લાંબો સમય બહાર રાખી શકાતો નથી. ખેડૂતો જ્યારે પોતાનો માલ સાચવવા કોલ્ડ સ્ટોરેજ પહોંચે છે, ત્યારે માલિકો દ્વારા 'જગ્યા નથી' તેમ કહીને તેમને પાછા મોકલવામાં આવે છે. જગ્યાના અભાવે ખેડૂતોએ નાછૂટકે નીચા ભાવે માલ વેચવો પડે છે. યોગ્ય સંગ્રહ ન થવાને કારણે મોટી માત્રામાં બટાકા બગડી રહ્યા છે, જે આર્થિક નુકસાનમાં વધારો કરે છે.

નાના અને સીમાંત ખેડૂતોની ચિંતા

કિસાન સંઘે પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, આર્થિક સંકડામણ અને સંગ્રહ શક્તિના અભાવે નાના અને મધ્યમ ખેડૂતો પોતાનો મોટાભાગનો માલ વેચી ચૂક્યા છે. જો સરકાર હવે સહાય જાહેર કરે, તો તેનો લાભ માત્ર એ ખેડૂતોને જ ન મળવો જોઈએ જેમની પાસે માલ સ્ટોકમાં છે, પરંતુ જે નાના ખેડૂતો મજબૂરીમાં નીચા ભાવે બટાકા વેચી ચૂક્યા છે, તેમને પણ આ સહાય યોજનાનો લાભ મળે તે જોવું અનિવાર્ય છે.

સરકાર પાસે મુખ્ય માગણીઓ:

1. બટાકા પકવતા ખેડૂતો માટે તાત્કાલિક આર્થિક પેકેજ અથવા ટેકાના ભાવે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે.

2. કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં આવે.

3. નિકાસ પ્રોત્સાહન આપીને બજારમાં ભાવ વધારવા માટેના પ્રયત્નો થાય.

વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર સત્વરે ખેડૂતોની વહારે આવે અને યોગ્ય વળતરની વ્યવસ્થા કરે તેવી ખેડૂત આલમમાં આશા સેવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now