અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિના પહેલા બનેલી બે નાની બાળકીઓના રહસ્યમય મોતની ઘટનામાં હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તપાસ અને મેડિકલ અભિપ્રાય બાદ પણ મોત કેવી રીતે થયું તેનો નિષ્કર્ષ ન આવી શકતા સમગ્ર કેસ વધુ રહસ્યમય બની ગયો છે. ખાસ કરીને અઢી મહિનાની બાળકી રાહાના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે મોતનું કારણ ન જાણી શકાયું હોવાનું જણાવતાં તપાસને નવી દિશા મળવાની શક્યતા પણ ઘટી ગઈ છે.
આ સમગ્ર ઘટના 1 એપ્રિલ, 2026 ના રોજ ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં બની હતી. અહીં રહેતા વિમલ પ્રજાપતિ સ્થાનિક ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈને આવ્યા હતા. પરિવાર દ્વારા તે ખીરામાંથી ઢોસા બનાવી ખાધા બાદ ઘરના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં અઢી મહિનાની રાહા અને ચાર વર્ષની મિસ્ટી નામની બે બાળકીઓના મોત નિપજ્યાં હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ અને FSL તપાસ છતાં સ્પષ્ટતા નહીં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા અને ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તેમજ અન્ય પુરાવાઓ FSL માં મોકલ્યા હતા. શરૂઆતમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ફોરેન્સિક રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. જોકે તપાસ આગળ વધતા કોઈ ઝેરી પદાર્થ, રસાયણિક તત્વ અથવા શંકાસ્પદ વસ્તુના પુરાવા મળી આવ્યા નહોતા.
અમદાવાદમાં તોફાની વરસાદ: ગાજવીજ સાથે માવઠું, યલો એલર્ટ જાહેર
પોલીસ દ્વારા મળેલા તમામ રિપોર્ટ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર અને મેડિકલ ટીમને અભિપ્રાય માટે મોકલવામાં આવ્યા હતા. અઢી મહિનાની બાળકી રાહાના કેસમાં કોઈ સ્પષ્ટ મેડિકલ કારણ ન મળતાં ડોક્ટરે મોતનું કારણ ન જાણી શકાયું હોવાનું નોંધાવ્યું છે. બીજી તરફ ચાર વર્ષની મિસ્ટીના મોત અંગે મેડિકલ ટીમે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી.
આ સ્થિતિમાં પોલીસ માટે પણ તપાસ આગળ વધારવી મુશ્કેલ બની છે. કારણ કે સામાન્ય રીતે આવા કેસોમાં પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ તપાસનો સૌથી મહત્વપૂર્ણ આધાર ગણાય છે. જો તેમાંથી કોઈ નિશ્ચિત દિશા ન મળે તો કાનૂની કાર્યવાહી કરવી અથવા જવાબદારી નક્કી કરવી અતિ મુશ્કેલ બની જાય છે.
શાંત રસ્તા પર જોરદાર ટક્કર બાદ સંભળાઈ ચીસો!: હાલોલ-ટીંબી માર્ગ પર બે બાઈક વચ્ચેની એવી ટક્કર કે એકનું પ્રાણપંખેરુ ઊડી ગયું! પત્નીની હાલત ગંભીર
પોલીસ તપાસ હવે કઈ દિશામાં જશે?
ચાંદખેડા પોલીસ માટે આ કેસ હવે સૌથી જટિલ તપાસોમાંનો એક બની રહ્યો છે. શરૂઆતમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અથવા ઝેરી અસરની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી મળેલા રિપોર્ટમાં તેવો કોઈ પુરાવો સામે આવ્યો નથી. પોલીસ સૂત્રો અનુસાર, હજુ પણ તમામ દસ્તાવેજો અને મેડિકલ મંતવ્યોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
જો કે કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી માટે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા જરૂરી હોય છે. હાલની સ્થિતિમાં તપાસ એ જ પ્રશ્ન પર અટકી છે કે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ શું હતું. કોઈ સ્પષ્ટ કારણ ન મળતા કેસ લાંબા સમય સુધી અનસોલ્વ્ડ રહી શકે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.





