Home Gujarat Ahmedabad Ahmedabad 33 Road Accident Blackspots Naroda Patiya Most Dangerous

અમદાવાદના આ 33 રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠા છે યમરાજ : એક ભૂલ અને બની શકે છે જીવલેણ, રોજ કોઈકનો ભોગ લે છે આ રસ્તા

Ahmedabad Blackspots
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 05:29 AM IST

Ahmedabad Road Accident: અમદાવાદ શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને લઈને ચિંતાજનક તસવીર સામે આવી છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા રોડ સેફ્ટી ઓડિટમાં શહેરના 33 એવા બ્લેકસ્પોટ અથવા અકસ્માતપ્રવણ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ગંભીર અકસ્માતો અને મૃત્યુ નોંધાયા છે. આ યાદીમાં નરોડા પાટિયા વિસ્તાર સૌથી વધુ જોખમી સ્થળ તરીકે સામે આવ્યો છે, જ્યાં 20 ગંભીર અકસ્માતોમાં 14 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં સતત વધી રહેલા વાહનોની સંખ્યા, બેફામ ગતિએ વાહન હંકારવાની વૃત્તિ, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ, રોંગ સાઇડ વાહન ચલાવવાની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલે માત્ર વાહનચાલકોની બેદરકારી જ નહીં પરંતુ અનેક સ્થળોએ રહેલી માળખાકીય ખામીઓને પણ અકસ્માત માટે જવાબદાર ગણાવી છે.

અમદાવાદના આ 33 રસ્તા બની ગયા ‘મોતના સ્પોટ’

  • નરોડા પાટિયા સૌથી જોખમી - 20 અકસ્માતમાં 14 લોકોના મોત

  • શાંતિપુરા ચાર રસ્તા – 22 અકસ્માત, 5 મોત

  • ઇસ્કોન રોડ – 11 અકસ્માત, 13 મોત

  • જુના વાડજ સર્કલ – 15 અકસ્માત, 11 મોત

  • વાસણા-સરખેજ વિસ્તાર – 14 અકસ્માત, 7 મોત

નરોડા પાટિયા, શાંતિપુરા અને જુના વાડજ સૌથી વધુ જોખમી

અહેવાલ અનુસાર વર્ષ 2021થી અત્યાર સુધીમાં સૌથી વધુ અકસ્માતો અને મૃત્યુ નોંધાયેલા સ્થળોમાં નરોડા પાટિયા, શાંતિપુરા ચાર રસ્તા, ઇસ્કોન રોડ, જુના વાડજ સર્કલ અને વાસણા-સરખેજ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અકસ્માતોની પદ્ધતિ અને કારણોમાં સમાનતા જોવા મળી છે. ખાસ કરીને ભારે વાહનોની અવરજવર, સાંકડા રસ્તાઓ, રાહદારીઓ માટે પૂરતી સુરક્ષાની વ્યવસ્થા ન હોવી અને ટ્રાફિકનું વધતું દબાણ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે. અનેક સ્થળોએ વાહનચાલકોને સ્પીડ નિયંત્રણ માટે પૂરતી ચેતવણી પણ મળતી નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં નારોલ-અસલાલી હાઇવે પર ભયાનક અકસ્માત : ઊભેલી પાર્સલ વાનમાં એક્ટિવા ઘૂસી, ધડાકાભેર ટક્કર એટલી ભયાનક કે એકનો જીવ ગયો, બેને ઈજા

મેટ્રો પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ પણ જવાબદાર

રોડ સેફ્ટી ઓડિટમાં કેટલાક એવા મુદ્દાઓ પણ સામે આવ્યા છે, જે સીધા માર્ગ સુરક્ષા સાથે જોડાયેલા છે. રબારી કોલોની ચાર રસ્તા નજીક મેટ્રોના પિલર પર રિફ્લેક્ટિવ શીટ ન લગાડવાના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને મુશ્કેલી પડે છે, જેના પરિણામે અકસ્માતના બનાવોમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. નિષ્ણાતોના મતે શહેરના ઘણા વિસ્તારોમાં ઝેબ્રા ક્રોસિંગ, સ્ટોપ લાઇન અને રોડ માર્કિંગ્સ યોગ્ય રીતે દેખાતા નથી. અનેક સ્થળોએ રાત્રિના સમયે રિફ્લેક્ટિવ સાઇનેજ અને ચેતવણી બોર્ડનો અભાવ જોવા મળે છે. આ ખામીઓ અકસ્માતનું જોખમ અનેકગણું વધારી રહી છે.

બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પણ બન્યો અકસ્માત ઝોન

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ બોપલનો વકીલ સાહેબ બ્રિજ પણ અકસ્માતપ્રવણ સ્થળ તરીકે સામે આવ્યો છે. અહીં છેલ્લા કેટલાક સમયથી ગંભીર અકસ્માતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અહેવાલ મુજબ આ સ્થળે 14 ગંભીર અકસ્માત નોંધાયા છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પણ ચિંતા વધી છે. નિષ્ણાતોનું માનવું છે કે, કેટલાક બ્રિજ અને ફ્લાયઓવર પર સ્પીડ નિયંત્રણના અભાવ, અચાનક વળાંક અને પૂરતી લાઇટિંગ ન હોવાના કારણે અકસ્માતો વધી રહ્યા છે. આવા સ્થળોએ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર બસ પલટી : એકનું મોત, 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત

તંત્ર માટે ચેતવણી સમાન અહેવાલ

રોડ સેફ્ટી ઓથોરિટીના આ અહેવાલને શહેરના ટ્રાફિક અને માર્ગ સુરક્ષા માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાથી જ નહીં, પરંતુ જોખમી સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા, સ્પીડ મેનેજમેન્ટ, યોગ્ય સાઇનેજ અને રાહદારીઓ માટે સુરક્ષિત વ્યવસ્થાઓ ઉભી કરવાથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. અમદાવાદમાં જાહેર કરાયેલા 33 બ્લેકસ્પોટ હવે તંત્ર માટે પડકારરૂપ બન્યા છે. જો સમયસર જરૂરી સુધારાઓ કરવામાં નહીં આવે તો માર્ગ અકસ્માતોના આંકડામાં વધુ વધારો થવાની આશંકા નકારી શકાય તેમ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now