હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટીંબી માર્ગ પર ગતરોજ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે દોડતા વાહનોને કારણે સર્જાયેલી બે બાઈકો વચ્ચેની સામસામે ટક્કરમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકો પર સવાર ત્રણ લોકો રોડ પર પટકાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એક મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
કંડાના દંપતીને હાલોલ આવતા નડ્યો કાળમુખો અકસ્માત
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના કંડા ગામે રહેતા હિતેષભાઈ પરમાર અને તેમના પત્ની માયાબેન પરમાર કોઈ અંગત કામકાજ અર્થે પોતાની મોટરસાયકલ પર સવાર થઈને કંડાથી હાલોલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યારે ટીંબી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેની દિશામાંથી પૂર ઝડપે આવતી એક બાઈકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના અવાજ સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ધોરણ 10ના પરિણામમાં દીકરીઓએ મારી બાજી: 88.28% પરિણામ સાથે છોકરાઓને પાછળ છોડ્યા, રાજ્યમાં આ જિલ્લો અવ્વલ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાલકે તોડ્યો દમ
અકસ્માતને પગલે હિતેષભાઈ પરમારને માથાના તેમજ શરીરના અન્ય ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, નસીબ જોગ ગંભીર ઈજાઓ ધરાવતા હિતેષભાઈ સારવાર કારગત નીવડે તે પહેલા જ મોતને ભેજ્યા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ તેમના પત્ની માયાબેનની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે.
સામેની બાઈકના ચાલકને પણ વડોદરા રીફર કરાયા
આ અકસ્માતમાં માત્ર હિતેષભાઈનું દંપતી જ નહીં, પરંતુ સામેની બાઈક ચલાવી રહેલા મહેન્દ્રભાઈ બારિયા (રહે. ટાઢોડીયા) ને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલોલ હોસ્પિટલના તબીબોએ મહેન્દ્રભાઈની પ્રાથમિક સારવાર કર્યા બાદ તબિયત લથડતા તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવાની સલાહ આપી હતી. હાલ બંને ઈજાગ્રસ્તો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મુંબઈ હાઈકોર્ટનો મોટો ચુકાદો: દમણની ‘ધ ડેલ્ટિન’ હોટલમાં કેસિનો અને સ્લોટ મશીનને મંજૂરી નહીં
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતક હિતેષભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ટીંબી માર્ગ પર થયેલા આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. એકાએક બનેલી આ ઘટનાને કારણે કંડા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે.





