ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા બનાવો હવે માત્ર આંકડાકીય ચિંતા નથી રહ્યા, પરંતુ શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નોનું પ્રતિબિંબ બની રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના આંકડાઓ સામે આવતા શિક્ષણ જગત, વાલીઓ અને નીતિ નિર્માતાઓમાં ચિંતા વ્યાપી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વધતું દબાણ, પેપરલીક કૌભાંડો, નોકરીની અનિશ્ચિતતા અને માનસિક તણાવ જેવા પરિબળો વિદ્યાર્થીઓને ગંભીર રીતે અસર કરી રહ્યા હોવાનું નિષ્ણાતો માને છે.
તાજેતરમાં દેશભરમાં નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ઉઠેલા વિવાદો અને પેપરલીકના કેસોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સવાલો ઊભા કર્યા છે. પરીક્ષાની તૈયારી માટે વર્ષો સુધી મહેનત કરનારા વિદ્યાર્થીઓ જ્યારે ગેરરીતિઓ અને કૌભાંડો સામે આવે ત્યારે નિરાશા અને હતાશાનો અનુભવ કરે છે. કેટલાક કિસ્સાઓમાં આ માનસિક દબાણ એટલું વધી જાય છે કે વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ બેસે છે. આ જ સપ્તાહમાં અમદાવાદમાં પણ એક વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી, જેને લઈને ફરી એકવાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા શરૂ થઈ છે.
4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું
ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગુજરાતમાં વર્ષ 2020-21 દરમિયાન 151 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ વર્ષ 2022-23માં આ સંખ્યા વધીને 161 થઈ હતી. વર્ષ 2023-24માં 183 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે વર્ષ 2024-25 દરમિયાન આ આંકડો 568 સુધી પહોંચ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે સમસ્યા સતત ગંભીર બની રહી છે.
વિશ્લેષણ મુજબ વર્ષ 2019થી 2024 વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં અંદાજે 16 ટકાનો વધારો નોંધાયો છે. આ વધારો માત્ર સંખ્યાત્મક નથી, પરંતુ સમાજ અને શિક્ષણ વ્યવસ્થાની અંદર ઊભી થયેલી ઊંડી સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. દરેક આત્મહત્યા પાછળ એક વિદ્યાર્થીના અધૂરા સપના, એક પરિવારની આશાઓ અને એક ઉજ્જવળ ભવિષ્યનો અંત છુપાયેલો હોય છે.
આ પણ વાંચો: અમદાવાદના આ 33 રસ્તાઓ પર રહેજો સાવધાન! : એક ભૂલ બની શકે છે જીવલેણ, અત્યાર સુધી આટલા લોકો ગુમાવી ચૂક્યા જીવ
પરીક્ષાનું દબાણ અને અનિશ્ચિત ભવિષ્ય
વિદ્યાર્થીઓ પર આજે માત્ર અભ્યાસનું જ નહીં પરંતુ સફળતા હાંસલ કરવાની સતત સ્પર્ધાનું પણ ભારે દબાણ છે. સરકારી ભરતી પરીક્ષાઓ હોય કે વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટેની પરીક્ષાઓ, દરેક ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. આવી સ્થિતિમાં પરીક્ષામાં નિષ્ફળતા કે અપેક્ષા મુજબ પરિણામ ન મળતાં ઘણા વિદ્યાર્થીઓ પોતાને નિષ્ફળ માની લે છે.
કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર
વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ માત્ર આંકડા નથી, પરંતુ દરેક આંકડા પાછળ એક પરિવારનો આક્રંદ અને એક યુવાનનું અધૂરું ભવિષ્ય જોડાયેલું છે. તેમના મતે છેલ્લા કેટલાંક વર્ષોમાં વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને કૌભાંડો સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરનો વિશ્વાસ ડગમગ્યો છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરે છે, પરિવારો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ અંતે પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિઓ સામે આવે ત્યારે તેમના સપનાઓને મોટો આંચકો પહોંચે છે. આ ઉપરાંત બેરોજગારી અને ભરતી પ્રક્રિયામાં થતા વિલંબ પણ યુવાનોમાં નિરાશા વધારતા પરિબળો હોવાનું તેમણે જણાવ્યું.
માનસિક આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર
શૈક્ષણિક નિષ્ણાતો અને મનોચિકિત્સકોનું માનવું છે કે વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓ પાછળનું એક મોટું કારણ માનસિક આરોગ્ય પ્રત્યેની અવગણના છે. અનેક વિદ્યાર્થીઓ તણાવ, ચિંતા અને નિરાશા જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે, પરંતુ સમયસર યોગ્ય માર્ગદર્શન કે કાઉન્સેલિંગ ન મળતાં સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
સુધારાત્મક પગલાંની માંગ ઉઠી
વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સુખાકારીને ધ્યાનમાં રાખીને અનેક સ્તરે સુધારાત્મક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. પરીક્ષા કૌભાંડો અને પેપર લીક સામે કડક કાયદો બનાવવો, જવાબદારો સામે ઝડપી કાર્યવાહી કરવી અને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવી સમયની માંગ બની છે.
સાથે સાથે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ સેન્ટરો સ્થાપિત કરવા, 24 કલાક કાર્યરત હેલ્પલાઇન શરૂ કરવા અને વિદ્યાર્થીઓને તણાવમુક્ત શિક્ષણનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે પણ માંગ ઉઠી છે.
ગુજરાતમાં છેલ્લા 4વર્ષમાં 1063 વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાનો માર્ગ અપનાવવો એ માત્ર એક આંકડો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે. શિક્ષણ, પરીક્ષા અને કારકિર્દી સાથે જોડાયેલા પડકારો વચ્ચે વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવાની અને તેમને સહાયક વાતાવરણ આપવાની જરૂરિયાત હવે પહેલા કરતાં વધુ તાત્કાલિક બની છે.






