Home Gujarat Vadodara Varanama Dedicated Freight Corridor Logistics Revolution Vadodara

મધ્ય ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટનું એન્જિન છે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર : વરણામાંથી પરિવહન ક્રાંતિને મળી નવી ગતિ

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 22, 2026, 06:17 AM IST

વડોદરા ખાતે આગામી 29 અને 30 જૂનના રોજ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચાઓ વચ્ચે વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) આજે પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિનું પ્રતિક બની ઉભરી આવ્યો છે. ગુજરાતને દેશના સૌથી મોટા લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાપિત કરવામાં આ પ્રોજેક્ટની ભૂમિકા સતત મજબૂત બની રહી છે.

ભારતીય રેલવેના પરંપરાગત ટ્રેક પર વર્ષો સુધી મુસાફર અને માલગાડીઓ બંનેનું ભારણ રહેવાના કારણે માલપરિવહનની ગતિ મર્યાદિત રહી હતી. જેના કારણે ઉદ્યોગો, નિકાસકારો અને કૃષિ આધારિત વ્યવસાયોને સમય અને ખર્ચ બંનેનો સામનો કરવો પડતો હતો. પરંતુ વરણામા ખાતે વિકસિત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરે આ સ્થિતિમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે.

30 ગામોમાંથી પસાર થતો વિકાસનો કોરિડોર

વડોદરા જિલ્લાના અંદાજે 30 ગામોમાંથી પસાર થતો આ વિશેષ માલપરિવહન કોરિડોર માત્ર એક રેલવે પ્રોજેક્ટ નથી, પરંતુ મધ્ય ગુજરાતના આર્થિક વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યો છે. હાલ વડોદરા-મુંબઈ રૂટ પર દરરોજ અંદાજે 50થી 70 માલગાડીઓ આ કોરિડોરનો ઉપયોગ કરી રહી છે. આગામી બે-ત્રણ મહિનામાં તમામ માલગાડીઓને સમર્પિત ટ્રેક પર ડાયવર્ટ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આ યોજના અમલમાં આવ્યા બાદ માલગાડીઓની સંખ્યા વધીને 110થી 140 સુધી પહોંચવાની સંભાવના છે. જેના કારણે રેલવેની માલ વહન ક્ષમતા બમણી થશે. સૌથી મહત્વની બાબત એ છે કે પરંપરાગત ટ્રેક પરથી માલગાડીઓનું ભારણ ઘટતા પેસેન્જર ટ્રેનો માટે વધુ જગ્યા ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ ટ્રેનો અને ઝડપી સેવાઓનો લાભ મળશે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : સુરત-નવસારીમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી મળી રાહત

25 કિમીથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ માલગાડીઓની ગતિ

DFCના અમલીકરણ પહેલાં જૂના ટ્રેક પર માલગાડીઓની સરેરાશ ઝડપ માત્ર 25થી 26 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ સમર્પિત ટ્રેક પર હવે આ ઝડપ વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા આગામી સમયમાં આ ઝડપને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.

ઝડપમાં થયેલા આ વધારાનો સીધો લાભ ઉદ્યોગો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્રને મળી રહ્યો છે. માલસામાન ઝડપથી ગંતવ્ય સુધી પહોંચતા સપ્લાય ચેઇન વધુ અસરકારક બની છે અને પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

મહેસાણાથી દિલ્હી સુધી દૂધના ટેન્કર હવે માત્ર 7 કલાકમાં

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની અસર સમજવા માટે મહેસાણાની દૂધ સાગર ડેરીનું ઉદાહરણ પૂરતું છે. અગાઉ દૂધના ટેન્કરોને મહેસાણાથી દિલ્હી પહોંચવામાં અંદાજે 17 કલાકનો સમય લાગતો હતો. હવે DFC અને ટ્રક-ઓન-ટ્રેન જેવી આધુનિક વ્યવસ્થાના કારણે આ જ અંતર માત્ર 7 કલાકમાં પૂર્ણ થઈ રહ્યું છે. આ પરિવર્તન માત્ર સમય બચત પૂરતું મર્યાદિત નથી. હજારો લીટર ડીઝલની બચત, ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો જેવા બહુવિધ ફાયદા પણ મળ્યા છે. પરિણામે ગ્રાહકો સુધી પહોંચતી ચીજવસ્તુઓની કિંમત પર પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: 'વસ્તી ગણતરી'ના બહાને ઘરમાં ઘૂસી પોલીસ : દરવાજો ખોલતા જ બે વર્ષથી ફરાર આરોપીને ફિલ્મી અંદાજમાં દબોચી લીધો

ગુજરાત બનશે દેશનું લોજિસ્ટિક્સ પાવરહાઉસ

પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અંતર્ગત વડોદરાથી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી માલગાડીઓને પણ પેસેન્જર ટ્રેનોની જેમ નિશ્ચિત સમયપત્રક મુજબ દોડાવવાની તૈયારી ચાલી રહી છે. સમગ્ર સિસ્ટમનું સંચાલન ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અદ્યતન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. વધતા કાર્ગો ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વડોદરા ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સ્થાપવાની યોજના પણ તૈયાર થઈ રહી છે. જેના કારણે મધ્ય ગુજરાતમાં નવા ઉદ્યોગો, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સેવાઓને વધુ વેગ મળશે.

ગોલ્ડન ક્વાડ્રિલેટરલ પરનું ભારણ ઘટશે

દેશના ગોલ્ડન ક્વાડ્રિલેટરલ રેલ નેટવર્ક પર હાલમાં કુલ ટ્રેક કિલોમીટરના માત્ર 16 ટકા હિસ્સા પર દેશના આશરે 58 ટકા માલપરિવહનનો ભાર છે. આ રૂટ તેની મૂળ ક્ષમતા કરતાં લગભગ 150 ટકા વધુ સંતૃપ્તિ સાથે કાર્યરત હતો. વરણામા DFC આ ભારણ ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. માલપરિવહન માટે અલગ ટ્રેક ઉપલબ્ધ થતાં સમગ્ર રેલવે નેટવર્ક વધુ કાર્યક્ષમ બન્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં FDAના દરોડાથી ખળભળાટ : ગોંડલની મિસરી સ્પાઈસીસમાંથી રૂ. 1.90 કરોડનો શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ

આર્થિક અને પર્યાવરણીય બંને રીતે ફાયદાકારક

હવાઈ પરિવહનનો સરેરાશ ખર્ચ પ્રતિ ટન-કિલોમીટર 40 રૂપિયાથી વધુ અને રોડ ટ્રાન્સપોર્ટનો ખર્ચ 25થી 30 રૂપિયા જેટલો થાય છે. તેની સરખામણીએ DFC મારફતે રેલ પરિવહનનો ખર્ચ 10 રૂપિયાથી પણ ઓછો આવે છે.

આથી ઉદ્યોગોને સ્પર્ધાત્મક લાભ મળી રહ્યો છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે માલસામાન ઉપલબ્ધ થઈ શકે છે. પર્યાવરણીય દૃષ્ટિએ પણ આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો છે. જ્યારે માલસામાનનું પરિવહન રસ્તાઓ પરથી રેલવે તરફ વળે છે ત્યારે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભારે ટ્રકોની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. અંદાજ મુજબ એક માલગાડી એકસાથે 400 જેટલા ટ્રકો જેટલો માલ વહન કરી શકે છે. મુંબઈ ઉપરાંત મુન્દ્રા, પીપાવાવ અને કંડલા જેવા મહત્વના બંદરો સાથેની સીધી કનેક્ટિવિટીને કારણે ગુજરાતના નિકાસકારો માટે પણ DFC આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જ્યારે નવા રોકાણો અને ઔદ્યોગિક વિકાસની ચર્ચા થશે ત્યારે વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજ્યની આધુનિક માળખાકીય શક્તિનું જીવંત ઉદાહરણ બની રહેશે. ગુજરાતને વૈશ્વિક વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે અગ્રણી સ્થાન અપાવવામાં આ પ્રોજેક્ટની ભૂમિકા આગામી વર્ષોમાં વધુ મહત્વપૂર્ણ બનવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now