વડોદરા : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (NH-48) પર વડોદરાના કપુરાઈ ચોકડી નજીક રવિવારે સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક શાકભાજી વેપારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે દોડી રહેલી નેક્સોન કારની જોરદાર ટક્કરથી ઈલેક્ટ્રિક ટેમ્પોના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે ટેમ્પો ચલાવતા વેપારી રસ્તા પર ફંગોળાતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
મૃતકની ઓળખ 50 વર્ષીય અશોકભાઈ વાલિયા તરીકે થઈ છે. તેઓ વડોદરાના તરસાલી-વડદલા રોડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા હતા અને શાકભાજીનો વ્યવસાય કરતા હતા. રોજની જેમ તેઓ વહેલી સવારે સયાજીપુરા APMC માર્કેટમાંથી શાકભાજી ખરીદીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
ટક્કર એટલી ભયાનક કે ટેમ્પોના બે ટુકડા થયા
પ્રાથમિક માહિતી અનુસાર, અશોકભાઈ ઈલેક્ટ્રિક ટેમ્પો લઈને કપુરાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામે તરફથી બેફામ ગતિએ આવી રહેલી નેક્સોન કાર તેમની સાથે અથડાઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે ટેમ્પો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને તેના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત દરમિયાન અશોકભાઈ ટેમ્પામાંથી ઉછળીને રસ્તા પર પટકાયા હતા. માથા અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: નર્મદામાં AAPનું શક્તિ પ્રદર્શન : ઉતાવળીમાં 800થી વધુ આગેવાનો ભાજપ-કોંગ્રેસ છોડી AAPમાં જોડાયા, ચૈતર વસાવાના ભાજપ પર પ્રહાર
પોલીસનો તાત્કાલિક કાફલો પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક જયરાજસિંહ મહાડીકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પરિવારનો આધારસ્તંભ છીનવાઈ ગયો
આ ઘટનાએ અશોકભાઈના પરિવાર પર દુઃખનો પહાડ તોડી પાડ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, અશોકભાઈ મહેનતુ અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમના પરિવારમાં પત્ની અને નાના બાળકો છે, જેમનું ભરણપોષણ મુખ્યત્વે તેમના વ્યવસાય પર નિર્ભર હતું. મૃતકના પાડોશીઓ અને પરિચિતોએ અકસ્માત અંગે ભારે દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહેવાસી મનીષાબેને જણાવ્યું હતું કે અશોકભાઈ સંપૂર્ણ સાવચેતી સાથે પોતાના માર્ગે જઈ રહ્યા હતા, પરંતુ બેદરકારીપૂર્વક વાહન ચલાવનારા કારચાલકના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો.
હાઈવે પર વધતા અકસ્માતોને લઈને રોષ
ઘટના બાદ સ્થાનિક લોકોએ હાઈવે પર વધતા અકસ્માતો, ઓવરસ્પીડિંગ અને કેટલાક વિસ્તારોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની સમસ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે હાઈવે પર નિયમોના ઉલ્લંઘન સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. સ્થાનિકોના જણાવ્યા મુજબ, NH-48 પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે અને બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. તેઓએ ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ સુરક્ષા માટે વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં બેકાબૂ વર્ના કારનો કહેર : કોઈ ફિલ્મની જેમ વૃદ્ધ મોપેડ ચાલકને ઉડાવ્યો!; કારમાં પાંચ સગીર હોવાનો ખુલાસો
પોલીસે શરૂ કરી વધુ તપાસ
કપુરાઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળના પુરાવા, વાહનોની સ્થિતિ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાએ એક મહેનતુ વેપારીનો જીવ લીધો હોવાની સાથે એક હસતા-ખેલતા પરિવારનો આધાર પણ છીનવી લીધો છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને લોકો માર્ગ સુરક્ષા અંગે ફરી ગંભીર ચર્ચા કરી રહ્યા છે.





