રાજકોટના રૈયા રોડ પર શનિવારે સવારે એક બેકાબૂ વર્ના કારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આમ્રપાલી અંડરબ્રિજ નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર સ્પીડબ્રેકર પર હવામાં ઉછળ્યા બાદ મોપેડ સવાર વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં રસ્તામાં અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી અને અંતે આશરે 200 મીટર દૂર એક બોર્ડ સાથે ધડાકાભેર અથડાતા કાર અટકી ગઈ હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલા રેલવે કર્મચારી રમેશકુમારને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
CCTVમાં કેદ થયો ભયાનક અકસ્માત
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમ્રપાલી અંડરબ્રિજમાંથી બહાર નીકળતી કાળા રંગની વર્ના કાર અત્યંત ઝડપે દોડી રહી હતી. સ્પીડબ્રેકર પર પહોંચતા કાર અંદાજે ચારથી પાંચ ફૂટ સુધી હવામાં ઉછળી હતી. કાર જમીન પર પડતા જ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર આગળ જઈ રહેલા વૃદ્ધ મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે વૃદ્ધ હવામાં ઉછળીને દૂર જઈ રસ્તા પર પટકાયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બેકાબૂ કાર રસ્તામાં અન્ય બે-ત્રણ વાહનોને પણ અડફેટે લેતા કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આશરે 100થી 200 મીટર દૂર એક શેરીમાં વળાંક લેવાનો પ્રયાસ કરતી વખતે કાર રસ્તા કિનારે આવેલા એક સાઈન બોર્ડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારની એરબેગ ખુલી ગઈ હતી અને વાહન ત્યાં જ અટકી ગયું હતું. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: 'મને લોટરી નથી લાગી, 25 વર્ષ બળદની જેમ કામ કર્યું છે' : સાંસદ બન્યા બાદ લોકોએ ઉઠાવેલા પ્રશ્નોનો સાસંદ માનસિંહ પરમારે આપ્યો જવાબ
કારમાં પાંચ સગીર સવાર હોવાનો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અકસ્માત સર્જનાર કારમાં ચાલક સહિત કુલ પાંચ સગીર સવાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, તમામ સગીરો યોગ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે સગીર ચાલકના પિતાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી નિવેદન નોંધ્યું છે. સાથે જ વાહન કોણ ચલાવી રહ્યું હતું, કાર કોની માલિકીની છે અને સગીરોને વાહન ચલાવવા કેવી રીતે આપવામાં આવ્યું તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
નંબર પ્લેટ વિના દોડતી કાર અંગે પણ તપાસ
પ્રત્યક્ષદર્શીઓએ એવો પણ દાવો કર્યો છે કે અકસ્માત સર્જનાર કારની પાછળ નંબર પ્લેટ ન હતી. જો આ વાત તપાસમાં સાચી સાબિત થશે તો વાહન સંબંધિત નિયમોના ઉલ્લંઘન અંગે પણ કાર્યવાહી થઈ શકે છે. પોલીસ CCTV ફૂટેજ, સ્થળ પરથી મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. કારની વાસ્તવિક ઝડપ કેટલી હતી અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પણ ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: નર્મદામાં AAPનું શક્તિ પ્રદર્શન : ઉતાવળીમાં 800થી વધુ આગેવાનો ભાજપ-કોંગ્રેસ છોડી AAPમાં જોડાયા, ચૈતર વસાવાના ભાજપ પર પ્રહાર
બેફામ ગતિ અને સગીર ડ્રાઇવિંગ પર ફરી ઉઠ્યા પ્રશ્નો
આ અકસ્માતે શહેરમાં ફરી એકવાર બેફામ ગતિએ વાહન ચલાવવાના જોખમો અને સગીરોને વાહન સોંપવાના મુદ્દે ગંભીર ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં વધતી સ્પીડિંગની ઘટનાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
સદનસીબે કાર બોર્ડ સાથે અથડાઈને અટકી ગઈ હતી. જો કાર વધુ અંતર સુધી બેકાબૂ હાલતમાં દોડતી રહી હોત તો વધુ જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. હાલ ગાંધીગ્રામ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અકસ્માત માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.





