Home Gujarat Rajkot Rajkot Shapar Veraval Crore Robbery Elderly Hostage Cash Gold Loot

વૃદ્ધને બંધક બનાવી તસ્કરોએ કરી કરોડોની લૂંટ : પોલીસ માટે પડકાર બન્યો હાઈપ્રોફાઈલ લૂંટકાંડ, 7 બુકાનીધારી શખ્સોની શોધખોળ શરૂ

Rajkot Shapar Robbery
Published by: Nirali Gohil
Last Updated: Jun 20, 2026, 06:42 AM IST

Rajkot Shapar Robbery: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા શાપર-વેરાવળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની લૂંટને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લાગી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, શાપર ગામમાં રહેતા જાડેજા પરિવારના નિવાસસ્થાને રાત્રે અંદાજે 1 વાગ્યાના સમયે 5થી 7 જેટલા બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. પરિવારના 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તસ્કરોએ ઘરમાં રહેલી મોટી રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાએ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

વૃદ્ધને બંધક બનાવી ચલાવી લૂંટ

મળતી માહિતી મુજબ, લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ સૌપ્રથમ વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને કાબૂમાં લીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલા રોકડ નાણાં, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાનની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ તસ્કરો આશરે રૂ. 2 કરોડ 47 લાખની રોકડ રકમ સાથે 5થી 7 તોલા સોનું તથા અન્ય કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા. કુલ નુકસાન રૂ. 2.60 કરોડથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાડેજા પરિવાર જાણીતા વ્યવસાય સાથે સંકળાયેલ

જાડેજા પરિવાર વિસ્તારનો જાણીતો પરિવાર ગણાય છે અને તેઓ ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગ સહિતના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે લૂંટારુઓને ઘરમાં મોટી રકમ હોવાની માહિતી અગાઉથી હતી કે નહીં. પોલીસને શંકા છે કે, આરોપીઓએ અગાઉથી ઘરની રેકી કરી હોઈ શકે છે. ઘટનાની પદ્ધતિ અને સીધા નિશાન બનાવેલી સંપત્તિને જોતા આંતરિક માહિતી અથવા કોઈ સુનિયોજિત કાવતરાની સંભાવના પણ તપાસ હેઠળ છે.

આ પણ વાંચો: ભાજપ હાઈકમાન્ડની એન્ટ્રી બાદ થાળે પડ્યો નર્મદાનો હાઈવોલ્ટેજ ડ્રામાં : ઘીના ઠામમાં ઘી પડ્યું, મનસુખ વસાવા અને દર્શના દેસાઈ વચ્ચેના વિવાદનો અંત

પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

લૂંટની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થયું હતું. રાજકોટ ગ્રામ્ય એસપી, ગોંડલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે જુદી જુદી ટીમો બનાવી છે. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેમજ શહેર અને હાઈવે તરફ જતાં માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ તેજ

ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ દ્વારા પણ સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ મોબાઈલ લોકેશન, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા સામે ઊભા થયા સવાલ

શાપર-વેરાવળ વિસ્તાર રાજકોટ જિલ્લાના સૌથી વ્યસ્ત અને ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે, જ્યાં દિવસ-રાત વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવા વિસ્તારમાં આટલી મોટી લૂંટની ઘટના બનતાં સ્થાનિક લોકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો તસ્કરો આટલી સરળતાથી કરોડોની લૂંટ ચલાવી શકે તો સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થાય છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને આરોપીઓની ઝડપી ધરપકડ પર ટકેલી છે.

આ પણ વાંચો: મહેસાણાની શાળાના આચાર્ય 2 વર્ષથી છે ન્યૂઝીલેન્ડમાં! : તંત્રે આપ્યા કડક કાર્યવાહીના સંકેત

બીજી તરફ આ મામલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયએ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત, આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.રેન્જ આઈજીએ જણાવ્યું કે આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે અને તમામ ટેકનિકલ તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now