Narmada BJP Dispute Ends in Gandhinagar: નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં સામે આવેલા આક્ષેપ-પ્રત્યાઆક્ષેપો બાદ મામલો ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો હતો. પ્રદેશ નેતૃત્વે સીધી દરમિયાનગીરી કરીને પક્ષના બંને અગ્રણી નેતાઓને એક મંચ પર લાવ્યા અને લાંબી ચર્ચા બાદ વિવાદનો અંત લાવવામાં સફળતા મેળવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા ભાજપમાં સર્જાયેલા મતભેદો રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના કથિત અપમાનનો મુદ્દો માત્ર સ્થાનિક સંગઠન પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ તે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા સંગઠન વચ્ચેના ટકરાવમાં ફેરવાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી બની હતી કે રાજીનામા, આંદોલન અને જાહેર વિરોધ સુધીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
એક કાર્યક્રમથી શરૂ થયો વિવાદ
વિવાદની શરૂઆત 15 જૂનના રોજ રાજપીપળામાં આયોજિત એક કાર્યક્રમ બાદ થઈ હતી. વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખનું અપમાન થયું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ધારાસભ્ય દ્વારા ધરણાં પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મામલો વધુ ગરમાયો અને તેમના સમર્થકો તેમજ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે મોરચો ખોલ્યો હતો. જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ સાથે સંગઠનમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો હતો.
આ પણ વાંચો: નર્મદા ભાજપમાં ઘમાસાણ : ધારાસભ્યના બળવાખોર વલણ બાદ દર્શનાબેન, મનસુખ વસાવા, નીલ રાવને કમલમનું તેડું
ગાંધીનગરમાં બોલાવવામાં આવી મહત્વપૂર્ણ બેઠક
મામલો સતત વણસી રહ્યો હોવાના સંકેતો મળતા ભાજપ પ્રદેશ નેતૃત્વે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો હતો. બે દિવસ પહેલાં નર્મદા જિલ્લાના મુખ્ય આગેવાનોને ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ, ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં બંધ બારણે લાંબી ચર્ચા કરવામાં આવી હતી.
'પાર્ટી એક પરિવાર છે': મનસુખ વસાવા
બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું કે તમામ મુદ્દાઓ અંગે પ્રદેશ નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ કાર્ય કરતી સંસ્થા છે અને પરિવારમાં ક્યારેક નાના-મોટા મતભેદો થવું સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે, પ્રદેશના મોવડીમંડળે તમામ પક્ષોની વાત ધીરજપૂર્વક સાંભળી છે અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. પક્ષ મજબૂત રહેશે તો જ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાશે. આંતરિક મતભેદો જાહેરમાં આવવાથી કાર્યકરો અને પક્ષ બંનેને નુકસાન થતું હોય છે, તેથી હવે સૌએ મળીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.'
આ પણ વાંચો: મહેસાણાની શાળાના આચાર્ય 2 વર્ષથી છે ન્યૂઝીલેન્ડમાં! : તંત્રે આપ્યા કડક કાર્યવાહીના સંકેત
નર્મદાના વિકાસ માટે એક થવાનો સંદેશ
સાંસદ મનસુખ વસાવાએ નર્મદાને પછાત જિલ્લો ગણાવી તેના સર્વાંગી વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હવે વ્યક્તિગત મતભેદોને પાછળ મૂકી સમગ્ર સંગઠન સાથે મળીને જિલ્લાની પ્રગતિ અને પક્ષની મજબૂતી માટે કામ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હવે સંગઠનની અંદર કોઈ મતભેદ નથી અને આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકરો અને આગેવાનો એકજૂથ થઈને કામ કરશે.
સોશિયલ મીડિયા પર પણ અપાઈ ચેતવણીબેઠક દરમિયાન સોશિયલ મીડિયા પર થઈ રહેલી પ્રવૃત્તિઓનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. કેટલાક કાર્યકરો અથવા સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર અન્ય નેતાઓ વિરુદ્ધ કરવામાં આવતી ટિપ્પણીઓ અને પોસ્ટ્સ અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રદેશ નેતૃત્વે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ વ્યક્તિને મોટો બતાવવા માટે અન્ય નેતાને ટાર્ગેટ કરતી અથવા પક્ષને નુકસાન પહોંચાડે તેવી પોસ્ટ્સ ટાળવી જોઈએ. કાર્યકરોને માત્ર પક્ષ અને વિકાસલક્ષી મુદ્દાઓને પ્રોત્સાહન આપતી સકારાત્મક પોસ્ટ્સ શેર કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજીનામા અને આંદોલનના કાર્યક્રમો રદ
પ્રદેશ નેતૃત્વની સફળ મધ્યસ્થી બાદ હવે જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલી ચીમકીઓ અને સંભવિત આંદોલનના તમામ કાર્યક્રમો પડતા મૂકવામાં આવ્યા છે. ભાજપના સૂત્રો મુજબ, હવે નર્મદા જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા અને આવનારી ચૂંટણી માટે તૈયારી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સમાધાનને નર્મદા ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજકીય ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે.






