Ahmedabad Builder Fraud: અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં જાણીતી ગુજરાતી ગાયિકા દર્શના ઠક્કરે બિલ્ડર અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ગાયિકાનો આરોપ છે કે વર્ષો પહેલાં બુક કરાવેલો ફ્લેટ તેમની જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યો અને ફ્લેટ માટે ચૂકવેલી લાખો રૂપિયાની રકમ પણ પરત આપવામાં આવી નથી. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આર્થિક મુશ્કેલીઓના કારણે બાકીની ચુકવણી કરવામાં વિલંબ થતાં બિલ્ડરોએ અગાઉ આપેલું વચન પાળ્યું ન હતું.
2019માં ફ્લેટ બુક કરાવ્યો, રૂ. 1.05 કરોડમાં થયો હતો સોદો
ફરિયાદ મુજબ, વેજલપુર વિસ્તારમાં રહેતા ગુજરાતી ગાયિકા દર્શના ઠક્કર અને તેમના પરિવારે વર્ષ 2019 દરમિયાન નવું ઘર ખરીદવાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન નારણપુરા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા "સત્યમ સ્કાઈલાઈન-2" પ્રોજેક્ટ વિશે જાણ થતાં તેઓ સાઇટની મુલાકાતે ગયા હતા. પ્રોજેક્ટ પસંદ આવતા તેમણે 13મા માળે આવેલો ફ્લેટ નંબર 1302 બુક કરાવ્યો હતો. આ ફ્લેટની કિંમત અંદાજે રૂ. 1.05 કરોડ નક્કી કરવામાં આવી હતી. બિલ્ડર તરફથી ડિસેમ્બર 2022 સુધીમાં ફ્લેટનો કબજો સોંપવાની ખાતરી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્રણ વર્ષમાં રૂ. 32.75 લાખની ચુકવણી
ફ્લેટ બુક થયા બાદ દર્શના ઠક્કરે અલગ-અલગ હપ્તામાં બેંક ટ્રાન્ઝેક્શન અને રોકડ મારફતે કુલ રૂ. 32.75 લાખ જેટલી રકમ બિલ્ડરને ચૂકવી હતી. આ દરમિયાન વર્ષ 2021માં વેચાણ સંબંધિત એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, ત્યારબાદ પરિવારમાં સર્જાયેલી આર્થિક પરિસ્થિતિ અને તેમના પતિની બાયપાસ સર્જરી સહિતના તબીબી ખર્ચના કારણે બાકીની ચુકવણી સમયસર કરવી શક્ય બની નહોતી.
આ પણ વાંચો: વલસાડમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે કર્યો સંવાદ : પ્રાકૃતિક ખેતી પર મુક્યો ભાર
બિલ્ડરે આપ્યું હતું રિફંડનું આશ્વાસન
દર્શના ઠક્કરના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ બાકીની રકમ ભરવામાં અસમર્થ રહ્યા ત્યારે બિલ્ડર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બિલ્ડરે ખાતરી આપી હતી કે જો ફ્લેટની ખરીદી આગળ વધારી શકાશે નહીં તો અત્યાર સુધી ચૂકવેલી રકમ પરત આપવામાં આવશે. આ આશ્વાસનના આધારે પરિવારે આગળની પ્રક્રિયા અંગે નિર્ણય લેવાનો વિચાર કર્યો હતો. જોકે, બાદમાં જે માહિતી સામે આવી તેનાથી તેઓ ચોંકી ગયા હતા.
બુક કરેલો ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધાનો આરોપ
વર્ષ 2024 દરમિયાન દર્શના ઠક્કરને જાણ થઈ હતી કે તેમણે જે ફ્લેટ બુક કરાવ્યો હતો તે બિલ્ડરે અન્ય ખરીદદારને વેચી દીધો છે. આ બાબતે સ્પષ્ટતા માંગતા બિલ્ડર તરફથી અન્ય ફ્લેટ આપવાની ઓફર કરવામાં આવી હતી. જો કે, દર્શના ઠક્કરે અન્ય ફ્લેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોતે ચૂકવેલી રકમ પરત કરવાની માંગ કરી હતી.
માત્ર રૂ. 5 લાખ પરત, બાકી રકમ અટવાઈ
ફરિયાદ મુજબ, સતત રજૂઆતો બાદ બિલ્ડર તરફથી માત્ર રૂ. 5 લાખ જ પરત આપવામાં આવ્યા હતા. બાકીના અંદાજે રૂ. 27.75 લાખ હજુ સુધી પરત આપવામાં આવ્યા નથી. દર્શના ઠક્કરનો આક્ષેપ છે કે, ત્યારબાદ તેમણે અનેક વખત બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ફોન કોલ્સનો પણ જવાબ આપવામાં આવતો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
નારણપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ
આખરે કાનૂની માર્ગ અપનાવતા દર્શના ઠક્કરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે નાણાકીય વ્યવહારો, એગ્રીમેન્ટ, ફ્લેટના વેચાણ સંબંધિત દસ્તાવેજો અને બંને પક્ષોની રજૂઆતોની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





