Home Gujarat Panchmahal Karad River Rescue Fire Brigade Controversy

પંચમહાલના બાકરોલ પાસે કરાડ નદીમાં કરાયું રેસ્ક્યુ : પેટ્રોલ વગર જ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ, બોટ પણ ન ચાલી, 6 કલાક સુધી જીવ બચાવવા સંઘર્ષ

રેસક્યુની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 05:51 AM IST

PANCHMAHAL NEWS: પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક કરાડ નદીમાં સર્જાયેલી ઘટનાએ એક તરફ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તો બીજી તરફ તંત્રની ઇમરજન્સી તૈયારીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કરાડ નદી પર બની રહેલા પુલના કામ દરમિયાન JCB મશીન ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ જતાં તેના ચાલક અને એક સહાયક સહિત બે લોકો નદીના મધ્યમાં કલાકો સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમતા રહ્યા હતા. અંતે સ્થાનિક યુવાનો અને ફાયર વિભાગના જવાનોની મદદથી બંનેનો સફળ બચાવ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બાકરોલ ગામ નજીક કરાડ નદી પર બ્રિજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. JCB મશીન કિનારેથી પસાર થતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયું હતું. થોડા જ સમયમાં JCB ચારેબાજુથી પાણીથી ઘેરાઈ ગયું અને તેના પર સવાર ચાલક તથા સહાયક બહાર નીકળી શકે તેવી કોઈ સ્થિતિ રહી નહોતી.

પાણી વધતાં સ્થિતિ બની ગંભીર

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ નદી કિનારે દોડી આવ્યા હતા. જોકે નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કોઈ વ્યક્તિ સીધી મદદ માટે પાણીમાં ઉતરવાની હિંમત કરી શકતી નહોતી. બંને વ્યક્તિઓએ પોતાનો જીવ બચાવવા માટે JCB પર જ આશરો લીધો હતો. સમય પસાર થતો ગયો અને પાણીનો પ્રવાહ સતત વધતો રહ્યો. નદીના મધ્યમાં ફસાયેલા બંને લોકો માટે દરેક ક્ષણ ભારે બની રહી હતી. સ્થાનિક લોકોમાં પણ ચિંતા વધી રહી હતી, કારણ કે વરસાદી વાતાવરણ વચ્ચે અંધારું નજીક આવી રહ્યું હતું.

આ પણ વાંચો: ભાજપ હાઈકમાન્ડની એન્ટ્રી બાદ થાળે પડ્યો નર્મદાનો હાઈવોલ્ટેજ ડ્રામાં : અપમાનથી શરૂ થયેલો વિવાદ આખરે શાંત, ગાંધીનગરમાં થયો ‘પેચઅપ’

ફાયર બ્રિગેડ પહોંચી

ઘટનાની જાણ થતાં કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે બચાવ કામગીરી દરમિયાન સામે આવેલી વિગતો તંત્રની તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેસ્ક્યુ માટે પહોંચેલી ફાયર બ્રિગેડ પાસે બોટ ચલાવવા પૂરતું પેટ્રોલ જ નહોતું. નદીમાં ફસાયેલા બે લોકોના જીવ બચાવવાની તાત્કાલિક જરૂરિયાત વચ્ચે સ્થાનિક લોકો પોતે પેટ્રોલની વ્યવસ્થા કરવા દોડધામ કરવા મજબૂર બન્યા હતા.

સ્થાનિકોના પ્રયાસોથી પેટ્રોલ પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ ફાયર વિભાગની બોટ ચાલુ થઈ શકી નહોતી. પરિણામે બચાવ કામગીરી શરૂ કરવાને બદલે ફાયર વિભાગના કર્મચારીઓ અને તંત્રના અધિકારીઓ લાંબા સમય સુધી બોટ કાર્યરત કરવા માટે જ મથામણ કરતા રહ્યા હતા.

આ પણ વાંચો: વૃદ્ધને બંધક બનાવી તસ્કરોએ કરી કરોડોની લૂંટ : પોલીસ માટે પડકાર બન્યો હાઈપ્રોફાઈલ લૂંટકાંડ, 7 બુકાનીધારી શખ્સોની શોધખોળ શરૂ

ઈમરજન્સી રિસ્પોન્સની ખુલ્લી પોલ

ઘટનાસ્થળે હાજર રહેલા લોકોમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે જ્યારે બે લોકોના જીવ જોખમમાં હોય ત્યારે બચાવ કામગીરી માટે પહોંચતી ટીમ પાસે મૂળભૂત સાધનો અને ઇંધણની વ્યવસ્થા પણ ન હોવી ગંભીર બેદરકારી ગણાય.

વરસાદી માહોલ અને વધતા અંધકાર વચ્ચે સમય પસાર થતો જતો હતો, જેના કારણે નદીમાં ફસાયેલા બંને વ્યક્તિઓના જીવન પર વધુ જોખમ ઊભું થઈ રહ્યું હતું. આ સમગ્ર ઘટનાએ તંત્રની ઇમરજન્સી તૈયારી અને આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: મહેસાણાની શાળાના આચાર્ય 2 વર્ષથી છે ન્યૂઝીલેન્ડમાં! : તંત્રે આપ્યા કડક કાર્યવાહીના સંકેત

સ્થાનિક યુવાનો બન્યા હીરો

જ્યારે બોટ દ્વારા બચાવ કામગીરી શક્ય ન બની ત્યારે સ્થાનિક યુવાનોએ આગળ આવીને પરિસ્થિતિ પોતાના હાથમાં લીધી હતી. નદીમાં પાણીનું સ્તર થોડું ઘટતાં યુવાનોએ ફાયર વિભાગના જવાનો સાથે મળીને દોરડાના સહારે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જોખમ હોવા છતાં યુવાનો ધસમસતા પાણીમાં ઉતર્યા અને ફાયર વિભાગના જવાનોને સહકાર આપ્યો હતો. લાંબા સમયની જહેમત બાદ બંને ફસાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

અંતે દોરડાના સહારે બંને લોકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. લગભગ છ કલાકથી વધુ સમય સુધી નદીમાં ફસાયેલા બંને વ્યક્તિઓને બચાવવામાં સફળતા મળતાં સમગ્ર વિસ્તારમાં રાહતનો માહોલ છવાઈ ગયો હતો.

સાંસદ સહિત અધિકારીઓ રહ્યા હાજર

આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ સતત ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી હતી અને જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું હતું. તેમ છતાં સ્થાનિક લોકોનું માનવું છે કે જો ઇમરજન્સી સેવાઓ વધુ સજ્જ હોત તો બચાવ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ થઈ શકી હોત અને ફસાયેલા લોકોને કલાકો સુધી રાહ જોવી ન પડી હોત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now