Home Gujarat Offbeat Live News Know All The Important News Of Gujarat In Just One Click

LiveGujarat Latest News Live : ફક્ત એક ક્લિકમાં જાણો ગુજરાતના 20 જૂનના તમામ મહત્વના સમાચાર

offbeat stories
Published by: Chintan Chavda
Last Updated: Jun 20, 2026, 07:14 AM IST

Gujarat News Live Update: દરરોજ રાજ્યમાં કોઈકને કોઈક ઘટનાઓ બનતી હોય છે, જેમાં ક્યારેક સારા સમાચાર મળે તો ક્યારેક થોડા કાળજું કંપાવી દેતા સમાચાર મળતા હોય છે. ત્યારે કોઈક વખત તો લોકોના હિત માટે ખૂબ જ મહત્વના ન્યૂઝ મળતા હોય છે. જો તમે આજે ગુજરાતમાં બનતી તમામ ઇવેંટ, ઘટના-દુર્ઘટના સહિતની માહિતી મેળવવા માટે Offbeat Stories Live બ્લોગ સાથે જોડાયેલા રહો.

લાઈવ અપડેટ્સ
2 મિનિટ પહેલા20 જૂન 2026

પંચમહાલ: કાલોલની કરાડ નદીમાં ફસાયેલા બે યુવાનોનું 6 કલાક બાદ સફળ રેસ્ક્યુ, તંત્ર અને ગ્રામજનોએ જીવના જોખમે બચાવ્યા

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક કરાડ નદીમાં જેસીબી સહિત ફસાયેલા બે વ્યક્તિઓને 6 કલાકના ભારે સંઘર્ષ બાદ આખરે હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. બ્રિજ નિર્માણના કાર્ય દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં જેસીબી તણાઈ જતાં તેમાં સવાર ચાલક અને સહાયક મધ્યપ્રવાહમાં ફસાઈ ગયા હતા. અંધારા અને તેજ પ્રવાહ વચ્ચે બોટનો ઉપયોગ શક્ય ન બનતા, સ્થાનિક યુવાનોની મદદથી ફાયર વિભાગે દોરડાની મદદથી અત્યંત જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનાસ્થળે સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલ મામલતદાર, ટીડીઓ (TDO) અને પોલીસનો કાફલો કલાકો સુધી હાજર રહી રેસ્ક્યુ કામગીરી પર નજર રાખી હતી. આ સફળ ઓપરેશન બાદ ગ્રામજનો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

3 મિનિટ પહેલા20 જૂન 2026

વડોદરા: મકરપુરાની સરદાર કોલોનીમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, વાહનો અને મકાનોમાં તોડફોડ

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરદાર કોલોની વિસ્તારમાં આજે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. તલવાર અને હોકી જેવા ઘાતક હથિયારો વડે થયેલી મારામારીમાં અનેક યુવકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિંસક ટોળાએ એકબીજાના વાહનોમાં તોડફોડ કરવા ઉપરાંત કેટલાક મકાનોના કાચ પણ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જનરક્ષક 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી, જેની સાથે પણ ઘર્ષણ થયાના અહેવાલ છે. પરિસ્થિતિ વણસતા મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તોડફોડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.

7 મિનિટ પહેલા20 જૂન 2026

અમરેલી: રાજુલાના કોવાયામાં સિંહના હુમલામાં મૃતક યુવકના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા


અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં જીવ ગુમાવનાર પ્રકાશચંદ્રના ઘટનાના અંતિમ CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ફૂટેજમાં પ્રકાશચંદ્ર રાત્રે અંદાજે 1:00 વાગ્યે ખાનગી કંપનીની કોલોનીમાંથી વતન ઉત્તરાખંડ જવા માટે નીકળતા અને રસ્તામાં પાનની દુકાને સ્થાનિકો સાથે વાતચીત કરતા જોવા મળે છે. સિક્યુરિટી ગાર્ડની ચેતવણીને અવગણીને નીકળેલા યુવક પર કોલોનીથી અડધા કિલોમીટર દૂર સિંહોએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાના ચાર દિવસ બાદ પણ પોલીસ અને વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં મૃતકના શરીરના ભાગો મળી આવવાની કરુણ ઘટનાઓ સામે આવી રહી છે.

28 મિનિટ પહેલા20 જૂન 2026

અમદાવાદની ગુજરાતી સિંગરનો બિલ્ડર પર ગંભીર આરોપ

Ahmedabad Builder Fraud: અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં જાણીતી ગુજરાતી ગાયિકા દર્શના ઠક્કરે બિલ્ડર અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ગાયિકાનો આરોપ છે કે વર્ષો પહેલાં બુક કરાવેલો ફ્લેટ તેમની જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યો અને ફ્લેટ માટે ચૂકવેલી લાખો રૂપિયાની રકમ પણ પરત આપવામાં આવી નથી. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આર્થિક મુશ્કેલીઓના કારણે બાકીની ચુકવણી કરવામાં વિલંબ થતાં બિલ્ડરોએ અગાઉ આપેલું વચન પાળ્યું ન હતું.


29 મિનિટ પહેલા20 જૂન 2026

અમદાવાદની 3 મોટી શાળાઓમાં ‘ડમી કલ્ચર’નો પર્દાફાશ

Ahmedabad Schools Dummy Culture: ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી ચર્ચામાં રહેલા ‘ડમી કલ્ચર’ સામે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદની ત્રણ જાણીતી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અત્યંત ઓછી મળતાં બોર્ડે શો-કોઝ નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી બાદ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને ડમી વિદ્યાર્થીઓના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા વિવિધ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલીક શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે વાસ્તવિક હાજરી ખૂબ જ ઓછી જોવા મળી હતી. નિયમ મુજબ વિદ્યાર્થીઓએ નિયમિત શાળામાં હાજરી આપવી જરૂરી હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની પરીક્ષા માટે જ શાળામાં નોંધાયેલા રહેતા હોવાનું સામે આવ્યું છે.

33 મિનિટ પહેલા20 જૂન 2026

ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ: 23થી 25 જૂન વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં આકરા ઉકળાટ વચ્ચે હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ખૂબ નજીક હોવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના અનુમાન અનુસાર, આગામી 23થી 25 જૂન વચ્ચે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. આજે 20 જૂનથી જ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય થતાં વરસાદી ઝાપટાં શરૂ થવાની સંભાવના છે. જો કે, 21થી 23 જૂન દરમિયાન ભેજવાળી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. મુખ્ય સિસ્ટમ સક્રિય થતાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે, જ્યાં કેટલીક જગ્યાએ 100 મીમીથી વધુ વરસાદ ખાબકવાની પણ શક્યતા છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સક્રિય થનારી સિસ્ટમના ભેજને કારણે જૂનના અંતમાં ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં પણ સારો એવો વાવણીલાયક વરસાદ નોંધાશે. અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ રહેવાની આશંકા છતાં મોટાભાગના ભાગોમાં ખેતીલાયક ઉત્તમ વરસાદ થવાની આશા હોવાથી ખેડૂતોને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર નજર રાખી જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

35 મિનિટ પહેલા20 જૂન 2026

ડભોઈના કાયાવરોહણમાં હિંસક હુમલો અને અપહરણ: પ્રેમલગ્નની અદાવતમાં 15થી 20 શખ્સોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી પરિણીતાને ઉઠાવી ગયા


વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં પ્રેમલગ્નની અદાવતને પગલે સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. નવીનગરી વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે 15થી 20 જેટલા બુકાનીધારી શખ્સોએ વિકાસભાઈ રાવળના ઘરે ધસી આવી પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વિકાસભાઈના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાખોરોએ ઘરમાં ભારે તોડફોડ મચાવ્યા બાદ વિકાસભાઈની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ ડભોઈ પોલીસ મથકે નિવેદન નોંધાવેલ હોવા છતાં સર્જાયેલી આ ગંભીર ઘટના બાદ પોલીસે 10 નામજોગ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ અને અપહૃત મહિલાની શોધખોળ માટે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે.

48 મિનિટ પહેલા20 જૂન 2026

નાંદોદ: ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનું નિવેદન, "અપમાન મુદ્દે પ્રદેશ મોવડી મંડળને રજૂઆત કરી, હવે પાર્ટીના નિર્ણયની રાહ"

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વારંવારના અપમાન અંગે ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. ગાંધીનગર ખાતે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના મોવડી મંડળ સાથેની મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી અને પુરાવા રજૂ કર્યા હતા. ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમ છોડવાનો તેમનો નિર્ણય પૂર્વનિયોજિત નહોતો, પરંતુ સતત થઈ રહેલા અપમાનને કારણે લેવાયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને હાલ પાર્ટીના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા હજુ સુધી કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

49 મિનિટ પહેલા20 જૂન 2026

વડોદરા: મધ્યપ્રદેશના ખૂનના ગુનાનો ફરાર આરોપી ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપાયો

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેના લસુડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને વડોદરાની હરણી પોલીસની ટીમે બાતમીના આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી ઝડપી લીધો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતી મુજબ, આરોપી ગૌરવ તુલસીરામ જાટવ ધરપકડથી બચવા માટે વડોદરામાં છુપાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા વર્ણન મુજબનો ઈસમ મળી આવ્યો હતો, જેણે પૂછપરછ દરમિયાન પોતાની ઓળખ ભિંડ (મધ્યપ્રદેશ)ના રહેવાસી તરીકે આપી હતી અને ગુનાની કબૂલાત કરી હતી. હરણી પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી છે.

53 મિનિટ પહેલા20 જૂન 2026

વડોદરા: હરણી વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયર ભરેલો ટેમ્પો ઝડપાયો, ₹4.42 લાખનો મુદ્દામાલ જપ્ત


વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન ગોલ્ડન બ્રિજ પાસેથી બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ટેમ્પો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ટેમ્પોની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને 500 મિ.લી.ની કુલ 1,104 બિયરની ટીન મળી આવી હતી, જેની કિંમત ₹2,42,880 થાય છે. ટેમ્પો સહિત કુલ ₹4,42,880નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોનો છે તે અંગે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

56 મિનિટ પહેલા20 જૂન 2026

અમદાવાદ: બોપલના ટીઆરબી મોલમાં આવેલી દુકાનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપો (TRP) મોલમાં આજે આગ લાગવાની ઘટના સામે આવતા ભારે અફડાતફડી મચી ગઈ છે. મોલમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ, બે ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર હાલ મળ્યા નથી.

06:12 AM20 જૂન 2026

પંચમહાલ: કાલોલની કરાડ નદીના ધસમસતા પ્રવાહમાં જેસીબી સહિત બે વ્યક્તિઓ ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ


પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલા બાકરોલ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીમાં સર્જાયેલી દુર્ઘટનામાં જેસીબી સહિત બે વ્યક્તિઓ ફસાઈ જતાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બાકરોલની કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જેસીબી સામેના કિનારેથી આ તરફ આવી રહ્યું હતું ત્યારે નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેસીબીમાં સવાર ચાલક અને તેનો સહાયક છેલ્લા ચાર કલાકથી નદીના વચ્ચે ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં જ કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા બંને વ્યક્તિઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

06:10 AM20 જૂન 2026

રાજકોટ: શાપરમાં સનસનાટીભરી લૂંટ, વૃદ્ધને બંધક બનાવી ₹2.60 કરોડથી વધુની મતાની લૂંટ

રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મધ્યરાત્રિએ 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોએ જયવીરસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ઘૂસી વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. તસ્કરોએ ઘરમાંથી અંદાજે ₹2.47 કરોડની રોકડ રકમ, 7 તોલા સોનું તથા ચાંદીના દાગીના સહિત કુલ ₹2.60 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગોંડલ ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી લૂંટની ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

05:59 AM20 જૂન 2026

ગુજરાતમાં વરસાદની આગાહી: જાણી લો તમારા જિલ્લાની સ્થિતિહવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં મધ્યમ વરસાદ તથા નર્મદા અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત તાપી, નવસારી અને વલસાડમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now