Home Gujarat Rajkot Jayant Pandya Announces Retirement Vigyan Jatha Field Activities End

70 વર્ષની ઉંમરે ‘વિજ્ઞાન જાથા’ની મેદાની કામગીરી બંધ થશે : જયંત પંડ્યાની નિવૃત્તિની જાહેરાત

jayant pandya vigyan jatha
Published by: Chintan Chavda
Last Updated: Jun 20, 2026, 01:20 PM IST

રાજકોટ : ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી અભિયાન અને ભૂવા-ભરાડીઓના કથિત ચમત્કારોના પડદાફાશ માટે જાણીતી ‘ભારત જન વિજ્ઞાન જાથા’ આગામી એક વર્ષ બાદ પોતાની મેદાની કામગીરી બંધ કરશે. સંસ્થાના ચેરમેન જયંત પંડ્યાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેમની 70 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ફિલ્ડ એક્ટિવિટી, વિરોધ પ્રદર્શન અને પડદાફાશના કાર્યક્રમો બંધ કરવામાં આવશે. જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી સંસ્થાની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મેદાની કામગીરી બંધ થશે, પરંતુ વિજ્ઞાન આધારિત જાગૃતિ અભિયાન, વ્યાખ્યાનો અને સ્ટેજ કાર્યક્રમો ચાલુ રહેશે.

ત્રણ દાયકાથી વધુ સમયથી અંધશ્રદ્ધા વિરોધી અભિયાન

જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, વિજ્ઞાન જાથાએ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યભરમાં અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓ સામે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. તેમણે દાવો કર્યો કે સંસ્થાએ હજારો જાહેર કાર્યક્રમો યોજીને લોકોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પ્રેરિત કર્યા છે. તેમણે જણાવ્યું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 10 હજારથી વધુ સ્ટેજ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ ધર્મો સાથે સંકળાયેલા અનેક કથિત ચમત્કારો અને દાવાઓનો પડદાફાશ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે, આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી વૈજ્ઞાનિક વિચારસરણી તરફ દોરવાનો રહ્યો છે.

આ પણ વાંચો: વૃદ્ધને બંધક બનાવી તસ્કરોએ કરી કરોડોની લૂંટ : પોલીસ માટે પડકાર બન્યો હાઈપ્રોફાઈલ લૂંટકાંડ, 7 બુકાનીધારી શખ્સોની શોધખોળ શરૂ


હુમલા અને ધમકીઓ છતાં કાર્ય ચાલુ રાખ્યું

જયંત પંડ્યાએ કહ્યું કે સંસ્થાની કામગીરી દરમિયાન અનેક વખત વિરોધ અને હુમલાનો સામનો કરવો પડ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, વિજ્ઞાન જાથાના કાર્યકરો પર હુમલાની ઘટનાઓ બની હતી તેમજ સંસ્થાની ઓફિસ અને નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આવા પડકારો છતાં ટીમે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂક્યા વિના વિજ્ઞાન આધારિત અભિગમ સાથે કામ કર્યું. સંસ્થાની સમગ્ર ટીમે સ્વૈચ્છિક ભાવનાથી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હોવાનું તેમણે ઉમેર્યું.

બોર્ડ ઉતારી સંસ્થા બંધ કરવાની જાહેરાત

જયંત પંડ્યાએ જણાવ્યું કે 70 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ માત્ર તેમની વ્યક્તિગત નિવૃત્તિ જ નહીં, પરંતુ સંસ્થાની હાલની ફિલ્ડ કામગીરી પણ સમાપ્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે કારોબારી સભ્યો સાથે મળીને ‘ભારત જન વિજ્ઞાન જાથા’ના બોર્ડ ઉતારી લેવામાં આવશે અને સંસ્થાની સક્રિય મેદાની કામગીરીને વિરામ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સંસ્થાને લોકોનો વ્યાપક વિશ્વાસ અને સમર્થન મળ્યું છે. વર્ષો દરમિયાન વિજ્ઞાન જાથા પર કોઈ ગંભીર કાનૂની વિવાદ કે નાણાકીય અનિયમિતતાના આક્ષેપો ન થયા હોવાનો પણ તેમણે દાવો કર્યો.

આ પણ વાંચો: "...યુનિવર્સિટીઓ શિક્ષણના નામે વ્યાપારીકરણ કરી રહી છે" : ઊંચી ફી મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર; ફી નિયમન સમિતિ રચવાની માંગ

અંધશ્રદ્ધા વિરોધી ચળવળ માટે મહત્વપૂર્ણ વળાંક

જયંત પંડ્યાની આ જાહેરાતને ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી ચળવળ માટે એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી વિજ્ઞાન જાથા રાજ્યમાં ચર્ચિત અભિયાનો ચલાવતી રહી છે અને તેના કાર્યક્રમો અનેક વખત જાહેર ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. સંસ્થાની મેદાની કામગીરી બંધ થવાની જાહેરાત બાદ આગામી સમયમાં આ ક્ષેત્રમાં કાર્યરત અન્ય સંગઠનો અને સામાજિક કાર્યકરો કેવી ભૂમિકા ભજવે છે તેના પર પણ સૌની નજર રહેશે. જોકે, જયંત પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે વૈજ્ઞાનિક વિચારધારા અને જાગૃતિ માટેના કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ નહીં થાય અને તે પ્રવૃત્તિઓ મર્યાદિત સ્વરૂપે આગળ પણ ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now