Vadodara Railway Station: વડોદરા રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરનારાઓ માટે આગામી દિવસો પડકારરૂપ બની શકે છે. રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને યાર્ડ રિમોડેલિંગના મહત્વપૂર્ણ તબક્કાને કારણે 170થી વધુ ટ્રેન સેવાઓ પર સીધી અસર થવાની છે. જેના કારણે અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવશે, કેટલીક ટ્રેનોને વૈકલ્પિક સ્ટેશનો તરફ ખસેડવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનોના પ્રારંભ અને સમાપન સ્થળોમાં પણ ફેરફાર કરવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર નોન-ઇન્ટરલોકિંગ (NI) કામગીરી 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન યોજાનાર છે. આ કામગીરી વડોદરા રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. આ દરમિયાન નવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમને કાર્યરત કરવામાં આવશે અને નવા યાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે.
પ્લેટફોર્મ નં. 5 અને 6 પર ટ્રેન સંચાલન રહેશે બંધ
વડોદરા રેલવે સ્ટેશન પર ચાલી રહેલા યાર્ડ રીમોડેલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણના કામને કારણે 23 જૂનથી 1 જુલાઈ સુધી પ્લેટફોર્મ નં. 5 અને 6 પર ટ્રેનનું સંચાલન અસ્થાયી રીતે બંધ રહેશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર આ કામગીરી દરમિયાન ટ્રેનોના હોલ્ટ અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનેક ટ્રેનોને વડોદરા સ્ટેશનના બદલે વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા સ્ટેશનો પરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત એકતાનગરથી વારાણસી, પુરૈચી થલાઈવર અને રીવા જતી તેમજ ત્યાંથી પરત આવતી કેટલીક સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોને ડભોઈ–કાયાવરોહણ–મિયાગામ કરજણ માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે તંત્રે મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ટ્રેનનો સમય, હોલ્ટ અને રૂટની માહિતી સત્તાવાર વેબસાઇટ અથવા એપ પર ચકાસવાની અપીલ કરી છે, જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
170થી વધુ ટ્રેન સેવાઓ પર પડશે અસર
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કુલ 170થી વધુ ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે. તેમાં કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવશે તો કેટલીક ટ્રેનોને વડોદરાના બદલે છાયાપુરી, વિશ્વામિત્રી અને બાજવા સ્ટેશન પરથી સંચાલિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન છાયાપુરી સ્ટેશન પરથી 114 ટ્રેન સેવાઓનું સંચાલન કરવામાં આવશે. વિશ્વામિત્રી સ્ટેશન પરથી 57 ટ્રેનો અને બાજવા સ્ટેશન પરથી 20 ટ્રેનોનું સંચાલન થશે. ઉપરાંત કેટલીક ટ્રેનો વડોદરા સ્ટેશનના બદલે મકરપુરા અને પ્રતાપનગર સ્ટેશનથી શરૂ અથવા પૂર્ણ થશે.
કેટલીક ટ્રેનો રદ પણ રહેશે
આ કામગીરી દરમિયાન પાંચ જોડી ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તેમાં વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને વલસાડ-દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી મહત્વપૂર્ણ ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલવે તંત્રે મુસાફરોને તેમની મુસાફરી પહેલાં ટ્રેનનું સ્ટેટસ તપાસવાની ખાસ સલાહ આપી છે, જેથી અંતિમ ક્ષણે થતી અસુવિધાથી બચી શકાય.
એકતાનગર જતી ટ્રેનો વડોદરા સ્ટેશનને બાયપાસ કરશે
વડોદરા યાર્ડમાં ચાલી રહેલી કામગીરીના કારણે વારાણસી, ચેન્નઈ અને રેવા સહિતના શહેરોથી એકતાનગર જતી છ ટ્રેન સેવાઓ 23 જૂનથી 28 જૂન દરમિયાન વડોદરા સ્ટેશનને બાયપાસ કરશે. આ ટ્રેનોને ડભોઈ-કાયાવરોહણ-મિયાગામ કરજણ રૂટ મારફતે ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને અગાઉથી રૂટ અને સ્ટોપેજ અંગેની માહિતી મેળવી લેવી જરૂરી બનશે.
રેલવે તંત્રે મુસાફરોને આપી સલાહ
વડોદરા રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભાવ સક્સેનાએ જણાવ્યું હતું કે મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે વિભાગે તમામ અસરગ્રસ્ત ટ્રેનો માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે,વડોદરા રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે 16 મેથી જ વિવિધ કામગીરી ચાલી રહી છે અને હવે આ પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.
મુસાફરો માટે શું મહત્વનું?
આગામી 10 દિવસ દરમિયાન વડોદરા મારફતે મુસાફરી કરનારા તમામ મુસાફરોએ ટ્રેનનું લાઈવ સ્ટેટસ, પ્લેટફોર્મ અને પ્રારંભ/સમાપન સ્ટેશનની માહિતી અગાઉથી ચકાસવી જરૂરી રહેશે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે આ ફેરફારો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





