Home Gujarat Threat To Blow Up Gujarat Assembly With Bomb During Budget Session Mlas And Ministers Immediately Evicted

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી : ધારાસભ્યો અને મંત્રીઓને તાત્કાલિક બહાર કઢાયા, કલાકોના ચેકિંગ બાદ ફરી શરૂ થઈ કામગીરી

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 05:42 AM IST

Gujarat Vidhan Sabha Bomb Threat: ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે લોકશાહીના મંદિર સમાન ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. એક અજ્ઞાત ઈ-મેલ દ્વારા મળેલી આ ધમકીને પગલે સમગ્ર સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું હતું. સવારે 9 વાગ્યે જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું, તેના ગણતરીના સમય પહેલા જ આ મેસેજ મળતા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક અસરથી આખું ભવન ખાલી કરાવવામાં આવ્યું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી રાજદીપસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ વિધાનસભા પહોંચ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની અનેક ટીમોએ કલાકો સુધી વિધાનસભાના દરેક ખૂણેખૂણાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સદનસીબે, લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આશરે બે કલાકના વિલંબ બાદ ફરીથી તમામ સભ્યોને પ્રવેશ આપી ગૃહની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યા પહેલા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આજે સવારે વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ સત્તાવાળાઓને બોમ્બ હોવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તકેદારીના ભાગરૂપે પોલીસે કોઈપણ જોખમ લીધા વિના તાત્કાલિક ગેટ બંધ કરી દીધા હતા અને અંદર રહેલા તમામ સ્ટાફને બહાર નીકળી જવા સૂચના આપી હતી. ધારાસભ્યો અને મંત્રીઓને પણ પરિસરમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે ગાંધીનગરના રાજમાર્ગો પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

સાયબર ક્રાઈમ અને ટેકનિકલ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

આ ધમકી કોણે અને કયા હેતુથી આપી છે તે જાણવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ સક્રિય થઈ છે. એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એક્સપર્ટ્સ ઈ-મેલના આઈપી એડ્રેસ (IP Address) ને ટ્રેસ કરી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત અથવા તો ડર ફેલાવવાનું ષડયંત્ર હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પાસાને અવગણી રહી નથી.

ખોટી ધમકીઓના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શાળાઓ, એરપોર્ટ અને કોર્ટ જેવી સરકારી ઈમારતોને નિશાન બનાવીને બોમ્બની ખોટી ધમકીઓ (Hoax Calls) આપવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ પ્રકારની ઘટનાઓથી માત્ર જનતામાં ભય ફેલાય છે એવું નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓનો સમય અને સંસાધનો પણ વેડફાય છે. ગૃહ વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, આવી અફવા ફેલાવનારા તત્વોને શોધીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ચેકિંગ બાદ ફરી શરૂ થઈ ગૃહની કાર્યવાહી

તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ અને 'ઓલ ક્લિયર' નું સિગ્નલ મળ્યા પછી, વિધાનસભાના અધ્યક્ષની મંજૂરીથી તમામ સભ્યોને ફરીથી ગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે આજે ગૃહની કામગીરી થોડી મોડી શરૂ થઈ હતી. હાલ વિધાનસભાની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે.

SP રાજદીપ સિંહ ઝાલાનું નિવેદન

આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ વિધાનસભાના ઈ-મેલ આઈડી પર એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ એસઓપી (SOP) મુજબ, આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવ્યું હતું. બીડીડીએસ (BDDS)ની ત્રણ ટીમો દ્વારા સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ કરવામાં આવ્યા બાદ, સવારે 10 વાગ્યે વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઈ-મેલ અંગે હવે ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. વધુમાં તેઓ જણાવે છે કે, ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધાયા બાદ ડીજી (DG) સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સીને આ તપાસમાં જોડવી. આ ધમકીભર્યો મેઈલ એક જીમેલ (Gmail) આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં હતો. જેમાં ઉલ્લેખ હતો કે, આજે બપોરે 2 વાગ્યાની આસપાસ વિધાનસભામાં બ્લાસ્ટ કરવામાં આવશે. જોકે, તપાસમાં કોઈ પણ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, તેથી આ એક 'હોક્સ ઈ-મેલ' (ખોટો મેઈલ) હોવાનું સાબિત થયું છે. અગાઉ શાળાઓ અને અન્ય કચેરીઓમાં મળેલા ધમકીભર્યા મેઈલ સાથે આનો કોઈ સંબંધ છે કે નહીં, તે તપાસ બાદ જ જાણી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now