ખેડૂત આંદોલન વચ્ચે માનવતાનો મહાયજ્ઞ: જેતપરમાં ખેડૂતોએ કર્યું રક્તદાન, તૂટ્યો રેકોર્ડ


રાજકોટ જિલ્લાના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહીને ભણતી ૧૦ વર્ષની આયુષી બલદાણીયાનું બીમારીના કારણે મોત થતાં વિવાદ સર્જાયો છે. મૃતકના પિતા રમેશભાઈ સહિત પરિવારે આક્ષેપ કર્યો છે કે દીકરી ૧૦ દિવસથી બીમાર હોવા છતાં શાળાએ જાણ ન કરી કે વાત પણ ન કરવા દીધી. અચાનક તબિયત બગડતાં હોસ્પિટલ લઈ જવાયા બાદ તેનું મોત થયું હતું. શાળા સંચાલકોએ સમયસર જાણ ન કરવાની ભૂલ સ્વીકારી છે. પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી આંદોલનની ચીમકી આપી છે.
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના જનરલ બોર્ડ પહેલાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા રૂ. ૨૭ લાખના નાસ્તાના બિલ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ડિમોલિશનની કામગીરી કરતાં વિવાદિત બિલમાં દર્શાવેલી રૂ. ૨૩૧ની નાસ્તાની ડિશ વધુ ચર્ચામાં આવી છે. આ બિલમાં મોટા ગોટાળાની આશંકા સાથે કોંગ્રેસે RMC કચેરી ખાતે કાજુકતરી બતાવીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ બિલ અટકાવ્યું છે, જ્યારે કોંગ્રેસે 'ડિમોલિશન કે ભોજન સમારંભ?' તેવા સવાલો ઉઠાવી તંત્રને ઘેર્યું છે.
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ઐતિહાસિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. બુધવારે સવારે ૯ થી રાતના ૧૨ વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક ૫,૫૫૧ લોકોએ રક્તદાન કર્યું હતું, જે ગુજરાતમાં એક જ દિવસે અને એક જ સ્થળે થયેલું સૌથી વધુ રક્તદાન છે. અગાઉ રીબડાનો ૫,૪૧૯ બોટલનો રેકોર્ડ તૂટ્યો છે. બ્લડ બેંકો પાસે સાધન-સામગ્રી ખૂટી પડતાં બીજા દિવસે પણ રક્તદાન ચાલુ રહ્યું હતું.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ પ્રવિણભાઈ બવાડીયા સાથે રૂ. ૧.૫ કરોડની સાયબર છેતરપિંડી થઈ છે. ઠગોએ આરબીઆઈના નામે એક ખોટી ઝિપ ફાઈલ મોકલી હતી, જે એકાઉન્ટન્ટે કમ્પ્યુટરમાં ખોલતા જ સિસ્ટમ હેક થઈ ગઈ હતી. ત્યારબાદ હેકર્સે પ્રવિણભાઈના નામે જ નકલી વોટ્સએપ પ્રોફાઈલ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો અને પોતે મીટિંગમાં હોવાનું કહી તાત્કાલિક રૂ. ૧.૫ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બેંક મેસેજ આવતા છેતરપિંડીનો ખુલાસો થયો હતો. આ મામલે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદે દબાણો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરથી અનેક દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાયા છે. કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ત્રણ મોટા શોપિંગ કોમ્પ્લેક્સને પણ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગોને અવરોધમુક્ત કરવા માટે આ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણે દાદા સાથે જઈ રહેલા ૫ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેનો શિકાર કરતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરી લીધી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. આ ઘટનાને પગલે વન વિભાગે લોકોને રાત્રે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે, જ્યારે ગ્રામજનોએ માનવ-વન્યજીવ સંઘર્ષ રોકવા કડક પગલાંની માંગ કરી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી પોલીસે નકલી IPS અધિકારી બનીને ફરતા જોન ડેનિયલ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રહલાદનગરમાં રહેતો આ આરોપી પોતાની ખોટી ઓળખ આપીને અસલી પોલીસ કર્મચારીઓ પર રોફ જમાવતો, તેમની સાથે ગેરવર્તન કરતો અને ટ્રાન્સફરની ધમકીઓ આપતો હતો. સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસે તેની અટકાયત કરી છે. આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં આ નકલી ઓળખનો ઉપયોગ કરીને લોકોને છેતર્યા છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પર સાંજે આશરે ૬:૩૦ વાગ્યે એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો એક જ રનવે પર સામસામે આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, એર ઈન્ડિયાનું વિમાન ટેક્સીંગ દરમિયાન ખોટી દિશામાં વળી જતાં આ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની સમયસરની સતર્કતાથી મોટી હોનારત અટકી ગઈ હતી. ઘટના બાદ એર ઈન્ડિયાના વિમાનને પરત પાર્કિંગમાં ખસેડાયું હતું. સત્તાધિકારીઓએ આ ગંભીર બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.




