Home Gujarat Ahmedabad Rbi Fake Zip File Ahmedabad Cyber Fraud Rs 1 5 Crore

Cyber ​​attack; RBIની એક ફેક ZIP ફાઈલ ખોલતા ઉડી ગયા રૂ. 1.5 કરોડ : અમદાવાદના રિયલ એસ્ટેટ એજન્ટે નોંધાવી ઠગાઈની ફરિયાદ

RBI Fake ZIP File WhatsApp Fraud
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 06:25 AM IST

RBI Fake ZIP File WhatsApp Fraud: અમદાવાદમાં સાયબર ગુનેગારોએ અત્યંત ચાલાકીથી આચરેલી એક મોટી ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની સત્તાવાર નોટિસ હોવાનું જણાવી મોકલાયેલી એક ખોટી ZIP ફાઈલના માધ્યમથી રિયલ એસ્ટેટ કંપનીના ઓફિસ કોમ્પ્યુટરમાં હેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેકર્સે કંપનીના માલિકના નામ અને ફોટોનો ઉપયોગ કરીને નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું અને એકાઉન્ટન્ટને તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી. બોસનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે રૂ. 1.50 કરોડ RTGS મારફતે અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ સમગ્ર ઘટના બાદ બેંક તરફથી ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવતા કંપનીના માલિકને શંકા ગઈ હતી. એકાઉન્ટન્ટ સાથે વાતચીત કરતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RBIની નોટિસના નામે આવી હતી શંકાસ્પદ ZIP ફાઈલ

મળતી માહિતી અનુસાર, બોડકદેવ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પ્રવિણભાઈ નાગજીભાઈ બવાડિયા રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. ગત 23 જૂને તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી RBIના નામે એક મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે ZIP ફાઈલ પણ મોકલવામાં આવી હતી, જેમાં મહત્વપૂર્ણ નોટિસ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પ્રવિણભાઈએ આ મેસેજ અને ZIP ફાઈલ ચકાસવા માટે પોતાના ઓફિસના એકાઉન્ટન્ટને મોકલી આપી હતી. એકાઉન્ટન્ટે વોટ્સએપ વેબ મારફતે ઓફિસના કોમ્પ્યુટરમાં આ ZIP ફાઈલ ખોલતા જ સાયબર ગુનેગારોને કોમ્પ્યુટર સિસ્ટમનો રિમોટ એક્સેસ મળી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બોસના નામે બનાવ્યું નકલી WhatsApp એકાઉન્ટ

કોમ્પ્યુટર હેક થયા બાદ ઠગોએ વધુ એક ચાલાકીભર્યું પગલું ભર્યું હતું. બીજા જ દિવસે તેમણે "પ્રવીણ સર" નામથી અને પ્રવિણભાઈનો જ પ્રોફાઇલ ફોટો લગાવી નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. આ નકલી એકાઉન્ટ પરથી ઓફિસના એકાઉન્ટન્ટને મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે તેઓ મીટિંગમાં વ્યસ્ત હોવાથી ફોન પર વાત કરી શકશે નહીં અને તાત્કાલિક બેલાર ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતામાં રૂ. 1.50 કરોડ RTGS મારફતે ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. બોસના નામ અને ફોટા સાથે આવેલા મેસેજ પર વિશ્વાસ રાખીને એકાઉન્ટન્ટે કોઈ વધારાની ચકાસણી કર્યા વિના સૂચના મુજબ રૂ. 1.50 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

બેંકના મેસેજથી ખુલ્યો સમગ્ર ભાંડો

થોડા સમય બાદ બેંક તરફથી રૂ. 1.50 કરોડ ટ્રાન્સફર થયાનો મેસેજ પ્રવિણભાઈના મોબાઇલ પર આવ્યો હતો. તેમણે તરત જ એકાઉન્ટન્ટનો સંપર્ક કરતાં ખબર પડી કે તેમના નામે આવેલા વોટ્સએપ મેસેજના આધારે આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રવિણભાઈએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ હાલ હેકિંગ, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવું, બેંક ખાતાની વિગતો અને ટ્રાન્સફર થયેલી રકમના ટ્રેઇલ સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે! : વંદે ભારત એક્સપ્રેસના રૂટ અને સમયપત્રકમાં થયો ફેરફાર

સાયબર ગુનેગારો અપનાવી રહ્યા છે નવી મોડસ ઓપરેન્ડી

તાજેતરના સમયમાં સાયબર ઠગો સરકારી વિભાગો, બેંકો અને જાણીતી સંસ્થાઓના નામે ફેક ઇ-મેલ, ZIP ફાઈલ, APK ફાઈલ અથવા PDF મોકલી લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એકવાર આવી ફાઈલ ખોલવામાં આવે તો તેમાં રહેલા મેલવેર અથવા રિમોટ એક્સેસ ટૂલ્સ કોમ્પ્યુટર અને મોબાઇલની માહિતી પર કબજો મેળવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટી રકમના કોઈપણ ઓનલાઈન ટ્રાન્સફર પહેલાં માત્ર વોટ્સએપ મેસેજના આધારે નિર્ણય લેવાના બદલે સંબંધિત વ્યક્તિ સાથે સીધી ફોન પર અથવા રૂબરૂ વાતચીત કરીને સૂચનાની ખાતરી કરવી જોઈએ. અજાણ્યા નંબર પરથી મળતી ZIP, APK અથવા અન્ય કોમ્પ્રેસ્ડ ફાઈલો ક્યારેય ખોલવી નહીં અને આવી શંકાસ્પદ ફાઈલો અંગે તાત્કાલિક IT ટીમ અથવા સાયબર ક્રાઇમ સેલને જાણ કરવી જોઈએ. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, સાયબર ગુનેગારો હવે માત્ર ટેકનિકલ હેકિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ સોશિયલ એન્જિનિયરિંગ, નકલી ઓળખ અને માનસિક વિશ્વાસનો લાભ લઈ કરોડો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now