Home Gujarat Ahmedabad Ahmedabad Dwarka Vande Bharat Route Time Change

એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે! : વંદે ભારત એક્સપ્રેસના રૂટ અને સમયપત્રકમાં થયો ફેરફાર

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 25, 2026, 05:20 AM IST

દ્વારકાધીશના દર્શન માટે જતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ભારતીય રેલવે તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ઓખા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમયપત્રક અને ઓપરેશનલ દિવસોમાં મોટા ફેરફારોને રેલવે બોર્ડે મંજૂરી આપી છે. નવા ફેરફારો બાદ હવે પશ્ચિમ અમદાવાદના મુસાફરો માટે મુસાફરી વધુ સરળ બનશે, કારણ કે ટ્રેનને આંબલી રોડ સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ જંક્શન (કાલુપુર)ના બદલે હવે સાબરમતી જંક્શનને ટ્રેનનું મુખ્ય ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.

રેલવેના આ નિર્ણયથી અમદાવાદ, બોપલ, ઘુમા, શિલજ, ઘાટલોડિયા અને સાણંદ વિસ્તારમાં રહેતા લોકો માટે મુસાફરીનો સમય અને તકલીફ બંનેમાં ઘટાડો થશે. ખાસ કરીને દ્વારકા અને ઓખા તરફ જતાં ધાર્મિક પ્રવાસીઓ માટે આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સાબરમતી જંક્શનથી શરૂ થશે વંદે ભારત

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા સમયપત્રક મુજબ ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે સવારે 6:15 વાગ્યે સાબરમતી જંક્શનથી રવાના થશે. આ ટ્રેન આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પરથી પસાર થઈને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે.

પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજે 4:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને રાત્રે 11:15 વાગ્યે સાબરમતી જંક્શન પહોંચશે. આ ટ્રેન પણ દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ કરશે. વંદે ભારત જેવી આધુનિક અને ઝડપી ટ્રેનના આ નવા સમયપત્રકથી મુસાફરોને વધુ અનુકૂળતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: AMCમાં આજે હોદ્દેદારો માટે મહામંથન! : 11 કમિટીઓના સભ્યો અને ચેરમેનના નામ થશે જાહેર

પશ્ચિમ અમદાવાદના મુસાફરોને સૌથી મોટો લાભ

નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન બંને દિશામાં આંબલી રોડ સ્ટેશન પર બે મિનિટ માટે રોકાશે. આ ઉપરાંત સાણંદ સ્ટેશન પર પણ તેનું સ્ટોપેજ રહેશે. અત્યાર સુધી પશ્ચિમ અમદાવાદના રહેવાસીઓને કાલુપુર સ્ટેશન સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા..

હવે આંબલી રોડ સ્ટેશન પરથી સીધી વંદે ભારત ટ્રેન પકડવાની સુવિધા મળતા બોપલ, શેલા, ઘુમા, સાઉથ બોપલ, થલતેજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોના લોકોને મોટો લાભ મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી વસતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

હવે અઠવાડિયામાં છ દિવસ મળશે સેવા

રેલવે બોર્ડે ટ્રેનના ઓપરેશનલ દિવસોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ અમદાવાદ-ઓખા વંદે ભારત મંગળવારે બંધ રહેતી હતી, જ્યારે પરત ફરતી ઓખા-અમદાવાદ સેવા બુધવારે ઉપલબ્ધ નહોતી. નવી વ્યવસ્થા મુજબ હવે બંને દિશાની વંદે ભારત ટ્રેનો માત્ર મંગળવારે જ બંધ રહેશે અને બાકીના છ દિવસ નિયમિત રીતે દોડશે. આ નિર્ણયથી મુસાફરોને વધુ લવચીકતા મળશે અને પ્રવાસનું આયોજન સરળ બનશે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને આ ફેરફારો તાત્કાલિક એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં અપડેટ કરવા અને મુસાફરોને તેની જાણકારી આપવા સૂચના આપી છે.

આ પણ વાંચો: દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને ખેંચી ગઈ સિંહણ : 1 કિમી દૂરથી મળ્યા મૃતદેહના અવશેષો, અમરેલીમાં 'આદમખોર'નો આતંક

એક જ દિવસમાં દ્વારકા જવાની સુવિધા, પરંતુ દર્શન અંગે સવાલ

નવા સમયપત્રકને લઈને સૌથી વધુ ચર્ચા દ્વારકાધીશ મંદિરના દર્શન અંગે થઈ રહી છે. કાગળ પર જોવામાં આવે તો હવે અમદાવાદથી સવારમાં નીકળી સાંજે પરત ફરવાની સુવિધા ઉપલબ્ધ બની રહી છે. પરંતુ વાસ્તવિક સ્થિતિમાં શ્રદ્ધાળુઓ માટે કેટલીક મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે.

સમયપત્રક મુજબ વંદે ભારત ટ્રેન દ્વારકા સ્ટેશન પર બપોરે અંદાજે 12:30 વાગ્યે પહોંચે છે. બીજી તરફ દ્વારકાધીશ મંદિર બપોરે લગભગ 1 વાગ્યે બંધ થઈ જાય છે. રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર અંદાજે 2થી 3 કિલોમીટર જેટલું છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે સ્ટેશનથી મંદિર પહોંચીને દર્શન કરવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત મંદિર સાંજે લગભગ 5 વાગ્યે ફરી ખુલતું હોય છે, પરંતુ વંદે ભારત ટ્રેન દ્વારકાથી સાંજે 5:10 વાગ્યે જ આગળ માટે રવાના થવાની હોવાથી સાંજના દર્શનનો વિકલ્પ પણ વ્યવહારિક રીતે ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી! : એર ઈન્ડિયા-ઈન્ડિગોના વિમાન સામસામે આવ્યા

ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ

રેલવેના આ નિર્ણયને લઈને ભક્તો અને પ્રવાસીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધાને આવકારવામાં આવી રહી છે, તો બીજી તરફ દર્શનના સમય સાથે ટ્રેનના સમયપત્રકનું સંકલન ન થવાને કારણે કેટલાક લોકો નિરાશા પણ વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિક લોકો અને ધાર્મિક પ્રવાસન સાથે સંકળાયેલા વર્ગોનું માનવું છે કે જો રેલવે ભવિષ્યમાં સમયપત્રકમાં થોડો ફેરફાર કરે અથવા દ્વારકા સ્ટોપેજનો સમય વધુ અનુકૂળ બનાવે તો હજારો શ્રદ્ધાળુઓને સીધો લાભ મળી શકે છે.

ફિલહાલ, વંદે ભારત એક્સપ્રેસના આ નવા ફેરફારો પશ્ચિમ અમદાવાદ અને સૌરાષ્ટ્રના મુસાફરો માટે ચોક્કસપણે મહત્વપૂર્ણ સાબિત થશે, પરંતુ દ્વારકાધીશના દર્શન માટે આવનારા ભક્તો માટે સમયપત્રક હજુ પણ ચર્ચાનો વિષય બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now