Ahmedabad Railway Police: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોતાને ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી તરીકે ઓળખાવી પોલીસકર્મીઓ પર રોફ જમાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને અમદાવાદ રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ઉશ્કેરાયેલા સ્વરે ગાળાગાળી કરી, ધક્કામુક્કી કરી, યુનિફોર્મ ખેંચવાનો પ્રયાસ કર્યો અને "તારું ટ્રાન્સફર કરાવી દઈશ" જેવી ધમકીઓ આપતાં સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી હતી. ઘટનાના થોડા જ કલાકોમાં આરોપીને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક હોવાનું દર્શાવી લોકોમાં પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કાર્યક્રમ સાથે અગાઉ જોડાયેલ હોવાથી કેટલાક IPS અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો. આ જ બાબતનો આધાર લઈને તે વારંવાર પોતાને IPS અધિકારી સમાન પ્રભાવશાળી વ્યક્તિ તરીકે રજૂ કરતો હોવાનું સામે આવ્યું છે.
શું બની હતી સમગ્ર ઘટના?
અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સાથે આરોપીએ અચાનક ઉશ્કેરાઈ જઈ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેણે પોલીસકર્મીની છાતી પર બંને હાથથી ધક્કો મારી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, પોલીસના યુનિફોર્મ સાથે પણ ખેંચતાણ કરી અને પોલીસકર્મીએ તેને સેલ્યુટ કેમ ન માર્યો તે મુદ્દે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીએ પોલીસકર્મીને "અહીંથી દૂર તારું ટ્રાન્સફર કરાવી દઈશ" જેવી ધમકી આપીને પોતાની ઓળખ IPS અધિકારી તરીકે આપી હતી. આ સમગ્ર ઘટનાના કારણે ફરજમાં અવરોધ સર્જાતા પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ શિવલિંગને સમુદ્ર પોતે કરે છે અભિષેક : ભગવાન કાર્તિકેયએ સ્થાપના કરેલા મંદિરનું અનોખુ રહસ્ય
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઝડપાયો આરોપી
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને રેલવે પોલીસે સંયુક્ત કામગીરી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને 23 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 10:45 વાગ્યે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને અટકાયત કરી હતી. સમગ્ર કાર્યવાહી પંચનામાની હાજરીમાં કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આરોપી કોણ છે?
ઝડપાયેલા આરોપીની ઓળખ જોન પ્લાન તોપીલ ઉમ્મન (ઉંમર 54 વર્ષ) તરીકે થઈ છે. તે પ્રહલાદનગર વિસ્તારમાં શાલીન ઓટ્રિયમ ખાતે રહે છે અને ખાનગી નોકરી કરે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીને પોતાનો પ્રભાવ વધારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના પરિચયનો ખોટો ઉપયોગ કરીને લોકો સામે રોફ જમાવવાની ટેવ હતી.
આ પણ વાંચો: દર્દીઓનો સીધો પ્રતિસાદ મેળવવા જામનગર પહોંચ્યા આરોગ્ય મંત્રી : સર્જરી વિભાગની કામગીરીની કરી સમીક્ષા
કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?
આ મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 132, 204, 296 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમો સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ પહોંચાડવો, ધમકી આપવી, ગેરવર્તન કરવું અને હુમલો કરવા સંબંધિત ગુનાઓને આવરી લે છે.
વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ સમગ્ર કાર્યવાહી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા વિરુદ્ધની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કોઈપણ વ્યક્તિ ખોટી ઓળખ આપી કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. આ ઓપરેશનમાં રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસનું કહેવું છે કે કાયદા અમલવારી એજન્સીઓની ઓળખનો દુરુપયોગ કરીને લોકોમાં ભય કે પ્રભાવ ઊભો કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા બનાવોમાં ઝડપી કાર્યવાહી ચાલુ રહેશે.





