Home Gujarat Amreli Lion Attack 5 Year Old Boy Khambha Chatudi Village

Lion Attackદાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને ખેંચી ગઈ સિંહણ : 1 કિમી દૂરથી મળ્યા મૃતદેહના અવશેષો, અમરેલીમાં 'આદમખોર'નો આતંક

Amreli Lion Attack
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 06:23 AM IST

Amreli Lion Attack: ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં માનવ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ખાંભા તાલુકાના ચતુરી ગામમાં બુધવારે મોડી રાત્રે બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. માત્ર પાંચ વર્ષનો માસૂમ પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ત્રાટકેલી સિંહણે બાળકને દાદાની નજર સામે જ ખેંચી લીધો અને જંગલ તરફ લઈ ગઈ. ગ્રામજનોએ બહાદુરીપૂર્વક બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે બાળકનો લોહીલુહાણ મૃતદેહ ગામથી આશરે એક કિલોમીટર દૂર મળી આવ્યો. આ ઘટનાએ માત્ર બાળકના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ચતુરી ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકો હવે રાત્રિના સમયે બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે અને વન વિભાગ સામે સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

દાદાની આંગળી પકડી દૂધ આપવા જતો હતો, ત્યારે ત્રાટકી સિંહણ

મળતી માહિતી અનુસાર, ચતુરી ગામમાં રહેતો પાંચ વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો. રાત્રિનો સમય હોવાથી આસપાસ અંધારું હતું. એ દરમિયાન અચાનક એક સિંહણ ત્રાટકી અને દાદા કંઈ સમજે તે પહેલાં જ બાળક પર હુમલો કરીને તેને ખેંચી જંગલ તરફ લઈ ગઈ. દાદાની ચીસો સાંભળીને ગામલોકો તરત જ લાકડીઓ અને અન્ય સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા. કેટલાક યુવાનોએ પોતાની જાન જોખમમાં મૂકી જંગલમાં પ્રવેશ કરીને બાળકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો.

એક કિલોમીટર દૂરથી મળ્યો માસૂમનો મૃતદેહ

મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા મુજબ, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ ગામના બે-ત્રણ યુવાનોએ સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અંતે ગામથી આશરે એક કિલોમીટર દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમના મોતના સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને લોકોમાં ભય સાથે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી! : એર ઈન્ડિયા-ઈન્ડિગોના વિમાન સામસામે આવ્યા

વન વિભાગનું મેગા ઓપરેશન, એક સિંહણ પાંજરે પૂરાઈ

ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ, ACF કપિલ ભાટિયા સહિત વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ, ઘટના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા ચતુરી રેવન્યુ વિસ્તારમાં બની હતી. ઘટનાસ્થળ નજીક બે સિંહ જોવા મળ્યા હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે. જ્યારે બીજા સિંહને પકડવા માટે રાતભર સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

એક મહિનામાં ત્રીજી ઘટના, વધતી ચિંતા

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહો માનવ વસાહતો તરફ વધુ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વન વિભાગે સિંહોની સતત હિલચાલ પર વધુ અસરકારક દેખરેખ રાખવી જોઈએ અને માનવ વસાહતોની નજીક આવતા સિંહોને સમયસર જંગલમાં ખસેડવા માટે કાયમી વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો: "સેલ્યુટ કેમ ન મારી? તારું ટ્રાન્સફર કરાવી દઈશ" : અમદાવાદમાં ખોટો IPS બની ફરતો શખ્સ ઝડપાયો, પોલીસને જ આપી દીધી હતી ટ્રાન્સફરની ધમકી

વન વિભાગની ગ્રામજનોને ખાસ અપીલ

આ ઘટના બાદ વન વિભાગે આસપાસના ગામોના લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે સાંજ પછી અથવા અંધારામાં એકલા બહાર ન નીકળવું. જો બહાર જવું જરૂરી હોય તો સાથે અન્ય વ્યક્તિને રાખવી અને હાથમાં ટોર્ચ તેમજ લાકડી જેવી સુરક્ષા માટેની વસ્તુઓ રાખવી. વન વિભાગે લોકોને સિંહ દેખાય તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અને તાત્કાલિક નજીકના વન અધિકારીઓને જાણ કરવા પણ અપીલ કરી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now