Home Gujarat Amreli Villagers Demand Human Protection Arjun Modhwadia Lion Attack

Lion Attack"વનમંત્રી અર્જુન મોઢવાડિયા અમને આદમખોર સિંહોથી બચાવો" : 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યા બાદ ગ્રામજનોની માગ, એક મહિનામાં ત્રીજી ઘટના

Lion Attack
Published by: Vishal Dave
Last Updated: Jun 25, 2026, 06:05 AM IST

Lion Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષના બાળકના કરુણ મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા સિંહોના હુમલાઓથી કંટાળેલા ગ્રામજનોએ હવે ગુજરાત સરકાર અને ખાસ કરીને વનમંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ માનવ સુરક્ષા માટે કાયમી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

ગ્રામજનોનું કહેવું છે કે ગીર પંથકના અનેક ગામોમાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે, જેના કારણે લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે. ચતુરી ગામમાં બનેલી ઘટનાએ લોકોમાં વધુ રોષ ફેલાવ્યો છે. માસૂમ બાળક પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો ત્યારે સિંહણે હુમલો કરીને તેને ખેંચી ગઈ હતી. બાદમાં ગામથી અંદાજે એક કિલોમીટર દૂર બાળકના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને ખેંચી ગઈ સિંહણ : 1 કિમી દૂરથી મળ્યા મૃતદેહના અવશેષો, અમરેલીમાં 'આદમખોર'નો આતંક

"આ પહેલી ઘટના નથી, હવે કાયમી ઉકેલ જોઈએ"

મૃતક બાળકના મામા દાનુભાઈ વઘોસીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ગામમાં આવી ઘટનાઓ હવે નવી રહી નથી. તેમના જણાવ્યા મુજબ વન વિભાગ પહોંચે તે પહેલાં ગામના યુવાનોએ લાકડીઓ વડે સિંહણને ભગાડવાનો અને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. તેમણે જણાવ્યું કે અગાઉની રાત્રે પણ ગામમાં સિંહોની હિલચાલને કારણે લોકો આખી રાત જાગતા રહ્યા હતા. તેમ છતાં અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. તેમણે વનમંત્રી અર્જુન મોઢવાડિયાને અપીલ કરતાં કહ્યું કે ગામોને માત્ર આશ્વાસન નહીં, પરંતુ સિંહોથી માનવ સુરક્ષા માટે કાયમી રક્ષણ આપવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક અને અસરકારક આયોજન જરૂરી બની ગયું છે.

છેલ્લા એક મહિનામાં ત્રીજી ગંભીર ઘટના

અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ગંભીર ઘટના હોવાનું સામે આવ્યું છે. સતત બની રહેલા હુમલાઓને કારણે ગીર આસપાસના ગામોમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે. લોકો ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે સિંહોની વધતી અવરજવર વચ્ચે માત્ર ઘટનાના બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે. ગામોમાં નિયમિત પેટ્રોલિંગ, તાત્કાલિક રેસ્ક્યુ ટીમ, ચેતવણીની વ્યવસ્થા અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ જેવી વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.

હુમલાખોર સિંહણ પાંજરે પૂરાઈ

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલો કરનાર સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પકડી લેવામાં આવી છે અને હાલ તેને પાંજરામાં રાખવામાં આવી છે. તેના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે અને વન્યજીવ સંરક્ષણના નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સાથે વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે સાંજ પછી અથવા અંધારામાં એકલા બહાર ન નીકળવું, શક્ય હોય ત્યાં સુધી સમૂહમાં જવું તેમજ હાથમાં ટોર્ચ અને લાકડી જેવી સુરક્ષા સામગ્રી રાખવી.

માનવ સુરક્ષા અને સિંહ સંરક્ષણ વચ્ચે સંતુલનનો પડકાર

ગીરના એશિયાટિક સિંહો ગુજરાતની આગવી ઓળખ છે, પરંતુ બીજી તરફ સતત વધી રહેલા માનવ-વન્યજીવ સંઘર્ષે સ્થાનિક લોકોની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બનાવ્યો છે. ચતુરી ગામની ઘટના બાદ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે સિંહ સંરક્ષણની સાથે ગ્રામજનોની સુરક્ષા માટે કયા અસરકારક અને લાંબા ગાળાના પગલાં લેવામાં આવશે. હાલ ગ્રામજનોની મુખ્ય માંગ એક જ છે- માનવ જીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે અને આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now