Amreli Lion Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં પાંચ વર્ષના બાળક પર સિંહણના જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનામાં બાળકનું મોત થતાં વનવિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. વનકર્મીઓએ રાતભર અને વહેલી સવાર સુધી સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી આખરે હુમલાખોર સિંહણ સહિત કુલ પાંચ સિંહોને સફળતાપૂર્વક પાંજરે પૂર્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને સિંહ વચ્ચે વધતા સંઘર્ષના પ્રશ્નને ઉજાગર કર્યો છે. છેલ્લા 15 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ હવે પાંજરે પુરાયેલા સિંહોના વર્તન, આરોગ્ય અને હુમલામાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.
હુમલાખોર સિંહણ સહિત પાંચ સિંહોને કાબૂમાં લીધા
વનવિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર, બાળક પર હુમલો કરનાર સિંહણને શોધવા માટે વિશેષ રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં સતત ટ્રેકિંગ બાદ વહેલી સવારે હુમલાખોર સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. આ પહેલાં જ વનવિભાગે આ જ ગ્રુપના ચાર અન્ય સિંહોને પણ કાબૂમાં લીધા હતા. ત્યારબાદ હુમલાખોર સિંહણને પણ પાંજરે પૂરતા કુલ પાંચ સિંહોના સમગ્ર ગ્રુપને કબજામાં લેવામાં આવ્યું છે. હવે આ તમામ સિંહોને નિરીક્ષણ હેઠળ રાખીને તેમની વર્તણૂક અને હુમલાની ઘટનાની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે.
15 દિવસમાં ચોથી ઘટનાથી વધ્યો ફફડાટ
અમરેલી અને ગીર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની વસતિમાં વધારો થતાં તેઓ રહેણાંક વિસ્તારો અને ખેતીવાડી વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસ દરમિયાન સિંહોના હુમલાની ચાર ઘટનાઓ સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે. વનવિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકો પર ખાસ નજર રાખવા તેમજ સિંહ દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને મોનિટરિંગ પણ વધારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
વનવિભાગ આગળની કાર્યવાહી કરશે
પાંજરે પુરાયેલા પાંચેય સિંહોને વેટરનરી તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમની તબીબી તપાસ બાદ હુમલાખોર સિંહણની ઓળખ અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાશે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા બાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ ચતુરી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વનવિભાગે સતર્કતા વધારી છે અને ગ્રામજનોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચતુરી ગામમાં રહેતો પાંચ વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો. રાત્રિનો સમય હોવાથી આસપાસ અંધારું હતું. એ દરમિયાન અચાનક એક સિંહણ ત્રાટકી અને દાદા કંઈ સમજે તે પહેલાં જ બાળક પર હુમલો કરીને તેને ખેંચી જંગલ તરફ લઈ ગઈ. દાદાની ચીસો સાંભળીને ગામલોકો તરત જ લાકડીઓ અને અન્ય સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા. કેટલાક યુવાનોએ પોતાની જાન જોખમમાં મૂકી જંગલમાં પ્રવેશ કરીને બાળકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો. જોકે બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અંતે ગામથી આશરે એક કિલોમીટર દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો.






