Home Gujarat Haren Pandya Murder Case Asgar Ali Remission Gujarat High Court Order

હરેન પંડ્યા હત્યા કેસમાં મોટો આદેશ : અસગર અલીની સજા માફી અરજી પર 6 મહિનામાં નિર્ણય

ગુજરાત હાઇ કોર્ટ
Image Credit: Google
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 07:48 AM IST

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા મોહમ્મદ અસગર અલીની સજા માફીની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને અરજદારની રજૂઆત પર કાયદા મુજબ વિચાર કરીને છ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સજા માફી સંબંધિત અરજીઓ લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવી યોગ્ય નથી અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર નિર્ણય લેવો જરૂરી છે.

મોહમ્મદ અસગર અલી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પોતાની અરજીમાં તેણે જણાવ્યું છે કે તે જેલમાં 14 વર્ષથી વધુ સમય વિતાવી ચૂક્યો છે અને જેલ દરમિયાન તેનું વર્તન પણ સંતોષકારક રહ્યું છે. આ આધાર પર તેણે રાજ્ય સરકાર સમક્ષ વહેલી મુક્તિ માટે સજા માફીનો લાભ આપવા અરજી કરી હતી. જોકે અરજી પર લાંબા સમય સુધી કોઈ નિર્ણય ન લેવાતા તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં તાજિયા પૂર્વે પોલીસનો કડક બંદોબસ્ત : સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સઘન ફૂટ પેટ્રોલિંગ

રાજ્ય સરકારનો જવાબ

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અસગર અલીની સજા માફીની અરજી હાલમાં વિચારાધીન છે. એડવાઇઝરી કમિટીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત સત્તાધિકારી સમક્ષ અંતિમ નિર્ણય માટે કેસ રજૂ કરવામાં આવશે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે રાજ્ય સરકારને છ મહિનાની અંદર કાયદા મુજબ નિર્ણય લેવા આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય અરજીના ગુણદોષના આધારે અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓને અનુસરીને લેવામાં આવશે.

હરેન પંડ્યા હત્યા કેસની પૃષ્ઠભૂમિ

પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા બાદ સમગ્ર કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) તથા તે સમયના આતંકવાદ વિરોધી કાયદા POTA હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. આ કેસ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર જગદીશ તિવારી પર થયેલા હુમલાનો કેસ પણ જોડવામાં આવ્યો હતો અને બંને ઘટનાઓને એક જ ષડયંત્રનો ભાગ ગણાવી તપાસ કરવામાં આવી હતી.

વર્ષ 2007માં CBIની વિશેષ અદાલતે અસગર અલી સહિત અનેક આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. ત્યારબાદ વર્ષ 2011 માં ગુજરાત હાઇકોર્ટે હત્યા કેસમાં આરોપીઓને રાહત આપી હતી. જોકે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય રદ કરીને તમામ 12 આરોપીઓને ફરી દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ભોગવવા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: AMCની વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત : જ્ઞાતિ-ઝોનના સંતુલન સાથે સત્તાનું નવું સમીકરણ જાહેર

અન્ય અરજીમાં પણ સમાન નિર્દેશ

આ જ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2001 માં કચ્છ સરહદેથી વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયેલા અને આજીવન કેદની સજા ભોગવી રહેલા એક અન્ય દોષિતની સજા માફીની અરજી પર પણ રાજ્ય સરકારને છ મહિનાની અંદર નિર્ણય લેવા સૂચના આપી છે. હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે સજા માફી સંબંધિત અરજીઓ પર યોગ્ય સમયમર્યાદામાં નિર્ણય લેવો એ વહીવટી તંત્રની જવાબદારી છે અને આવા મામલાઓમાં બિનજરૂરી વિલંબ ટાળવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now