Home Gujarat Ahmedabad Ahmedabad Digital Arrest Cyber Crime Rescue Navrangpura

અમદાવાદમાં 'ડિજિટલ અરેસ્ટ'થી સિનિયર મેનેજરનો બચાવ : સાયબર ક્રાઇમ અને નવરંગપુરા પોલીસે સમયસર કર્યું રેસ્ક્યૂ

ડિજિટલ અરેસ્ટ દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 08:43 AM IST

અમદાવાદ શહેરમાં ડિજિટલ અરેસ્ટના વધુ એક પ્રયાસને સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સાયબર ઠગોએ એક ખાનગી કંપનીના સિનિયર મેનેજરને CBI અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી વીડિયો કોલ પર ડરાવી-ધમકાવી 'ડિજિટલ અરેસ્ટ'માં રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કંપનીના મેનેજરની સમયસરની સતર્કતા અને 1930 હેલ્પલાઇન પર કરવામાં આવેલી જાણના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સિનિયર સિટિઝનનો બચાવ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, 20 જૂન 2026ના રોજ થલતેજ સ્થિત વિશાલ શિપિંગ એજન્સીના મેનેજર વિશાલ દરજીએ 1930 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે તેમના સિનિયર અચાનક ઓફિસમાંથી ઘરે જતા રહ્યા છે અને ફોન પર માત્ર એટલું જ કહી રહ્યા છે કે તેમના પર CBIની નજર છે અને બાદમાં તમામ વિગતો જણાવશે. મેનેજરને ડિજિટલ અરેસ્ટની આશંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: AMCની વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત : જ્ઞાતિ-ઝોનના સંતુલન સાથે સત્તાનું નવું સમીકરણ જાહેર

પોલીસે ઘરમાં પહોંચી બચાવ્યો

માહિતી મળતાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસની ટીમ તાત્કાલિક સિનિયર મેનેજરના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં પહોંચતાં પોલીસને તેઓ મોબાઇલમાં વીડિયો કોલ ચાલુ રાખીને ડરના માહોલમાં બેઠેલા જોવા મળ્યા હતા. વીડિયો કોલમાં સામેવાળો વ્યક્તિ પોતાને CBIના ડાયરેક્ટર તરીકે ઓળખાવી રહ્યો હતો અને સતત ધમકી આપી રહ્યો હતો. પોલીસે તરત જ તેમને સમજાવ્યું કે ભારતમાં 'ડિજિટલ અરેસ્ટ' નામની કોઈ કાયદાકીય જોગવાઈ નથી અને તેઓ સાયબર ઠગોના શિકાર બની રહ્યા છે. ત્યારબાદ સમગ્ર પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

આ રીતે ગૂંથાયો હતો આખો કાવતરું

સાયબર ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ કરીને પોતાને મુંબઈ પોલીસ અને ત્યારબાદ CBIના અધિકારી તરીકે ઓળખ આપીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતું ખોલવામાં આવ્યું છે અને તે નરેશ ગોયલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વપરાયું છે. ત્યારબાદ નકલી CBI વોરંટ, કોર્ટના આદેશ અને અન્ય દસ્તાવેજો મોકલી તેમને ઘરે જ રહેવા, વીડિયો કોલ ચાલુ રાખવા અને કોઈને જાણ ન કરવાની સૂચના આપવામાં આવી હતી. પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, ઠગોએ બનાવટી CBI અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં તાજિયા પૂર્વે પોલીસનો કડક બંદોબસ્ત : સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સઘન ફૂટ પેટ્રોલિંગ

સાયબર ક્રાઇમ બ્રાન્ચની અપીલ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી એજન્સી વીડિયો કોલ અથવા ફોન દ્વારા 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી. જો કોઈ વ્યક્તિ CBI, ED, પોલીસ અથવા અન્ય સરકારી અધિકારી બનીને વીડિયો કોલ પર ધમકાવે, બેંક ખાતાની માહિતી માંગે અથવા નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કરે તો તરત જ 1930 સાયબર હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now