Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Crime Apk Fraud Matada Gang Busted

જામતાડા ગેંગનો પર્દાફાશ : APK ફાઈલના નામે દેશભરમાં ફેલાવ્યો હતો સાયબર આતંક, 3 આરોપી ઝડપાયા

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 25, 2026, 09:49 AM IST

Ahmedabad News: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં APK ફાઈલ મારફતે સાયબર છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ મોબાઈલ યુઝર્સને બેંક KYC, ગેસ બિલ અપડેટ, RTO ચલણ અને ગ્રાહક સેવા જેવા બહાના હેઠળ APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેમના મોબાઈલનો સંપૂર્ણ રિમોટ એક્સેસ મેળવી બેંક ખાતાઓમાંથી નાણાં ચોરી કરતી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક અને સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર લવીના સિન્હા અને ACP હાર્દિક માંકડિયાની દેખરેખ હેઠળ રચાયેલી વિશેષ ટીમે 1930 હેલ્પલાઈન પર નોંધાયેલી ફરિયાદો અને સાયબર ફ્રોડના પેટર્નનું વિશ્લેષણ કરીને ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

Sabarmati Gasના નામે મોકલાયો હતો મેસેજ

આ સમગ્ર કેસની શરૂઆત અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા નરેશ દેવાનંદ સબનાની નામના વ્યક્તિની ફરિયાદથી થઈ હતી. ફરિયાદીને WhatsApp પર Sabarmati Gas Limitedના નામે એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં ગેસ કનેક્શન બંધ થઈ જવાની ચેતવણી આપી 'Sabarmati Gas Bill Update.apk' નામની ફાઈલ ડાઉનલોડ કરવા કહેવામાં આવ્યું હતું.

ફરિયાદીએ વિશ્વાસમાં આવી APK ફાઈલ ડાઉનલોડ કરતાં જ આરોપીઓએ તેમના મોબાઈલનો અનધિકૃત એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ વિવિધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો મારફતે ફરિયાદીના ખાતામાંથી કુલ ₹6.68 લાખથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 319(2), 318(4), 61(2)(A), 54 તેમજ IT Actની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હરેન પંડ્યા હત્યા કેસમાં મોટો આદેશ : અસગર અલીની સજા માફી અરજી પર 6 મહિનામાં નિર્ણય

ટેક્નિકલ તપાસમાં ખુલ્યો મોટો રેકેટ

પોલીસની ટેક્નિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છેતરાયેલી રકમ HDFC બેંકના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોબાઈલ ડેટા, ડિજિટલ ટ્રેલ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધતા APK ફાઈલ બનાવનાર મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી હતી.

તપાસમાં બહાર આવ્યું કે ઝારખંડના ગિરિડીહ જિલ્લાના રહેવાસી સુરાનંદ ઉર્ફે કુશ તિવારી APK ફાઈલ તૈયાર કરતો હતો. તે Telegram પર ખાસ Bot મારફતે વિવિધ પ્રકારની APK ફાઈલો વેચતો હતો. પોલીસે કોલકાતા અને અન્ય રાજ્યોમાં દરોડા પાડી મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરાનંદ ઉર્ફે કુશ તિવારી (ઉંમર 28), વિકાસ દાસ (ઉંમર 33) અને સીતારામ મંડલ (ઉંમર 26)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: AMCની વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત : જ્ઞાતિ-ઝોનના સંતુલન સાથે સત્તાનું નવું સમીકરણ જાહેર

Telegram Bot મારફતે વેચાતી હતી APK ફાઈલો

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી કુશ તિવારીએ Telegram પર વિશેષ Bot તૈયાર કર્યો હતો. આ Botમાં SBI KYC, SBI Reward, RTO, BOB, BOI, Union Bank, Yes Bank, Bill Update, Credit Card Update સહિત અનેક નામોથી APK ફાઈલો ઉપલબ્ધ હતી. સાયબર ઠગો Bot મારફતે APK ખરીદી શકતા હતા. APK ખરીદનારને ખાસ લિંક આપવામાં આવતી હતી અને ત્યારબાદ તે ફાઈલનો ઉપયોગ કરીને લોકોના મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ કરવામાં આવતું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ આશરે 400થી વધુ ગ્રાહકોને આવી APK ફાઈલો વેચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી ચોરી કરતા હતા

APK ફાઈલ મોબાઈલમાં ઇન્સ્ટોલ થતાં જ આરોપીઓ મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. તેઓ SMS, OTP, કોલ લોગ, નોટિફિકેશન, બેંકિંગ એપ્લિકેશન, UPI માહિતી અને અન્ય સંવેદનશીલ ડેટા સુધી પહોંચી શકતા હતા.

આ માહિતીના આધારે તેઓ ભોગ બનનારના બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લેતા હતા. કેટલીક સ્થિતિમાં SBI YONO Cash સુવિધાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. OTP અને YONO PIN મેળવી ATMમાંથી સીધી રોકડ ઉપાડી લેવામાં આવતી હતી.

આ પણ વાંચો: GTUનું મોટું અપડેટ! : PGCET પરીક્ષાની તારીખ જાહેર, 10 હજારથી વધુ બેઠકો પર મળશે પ્રવેશ; જાણો તમામ મહત્વની વિગતો

ચેઈન સિસ્ટમથી લાખો મોબાઈલ સુધી પહોંચતી હતી APK

તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ APK ફાઈલ એક વ્યક્તિને મોકલ્યા બાદ તેના WhatsApp અને Telegram કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરીને અન્ય લોકોને પણ ફાઈલ મોકલતા હતા. પરિણામે થોડા જ દિવસોમાં APK હજારો અને લાખો મોબાઈલ સુધી પહોંચી જતી હતી.

આ રીતે 'ચેઇન રિએક્શન' સર્જીને ગેંગ દેશભરમાં સાયબર છેતરપિંડીનો જાળ ફેલાવતી હતી. પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી Bank of India, DBS Bank, Customer Support સહિત અનેક નામોની APK ફાઈલો મળી આવી છે.

વધુ તપાસ ચાલુ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ હાલ આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ, સર્વર, ડોમેન, ઈ-મેઈલ આઈડી અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને દેશભરમાં થયેલી છેતરપિંડીના કેસોની કડીઓ પણ તપાસવામાં આવી રહી છે.

સાયબર ક્રાઈમ વિભાગે લોકોને અજાણી APK ફાઈલો ડાઉનલોડ ન કરવા, કોઈપણ KYC અથવા બિલ અપડેટ માટે માત્ર સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટનો જ ઉપયોગ કરવા તેમજ શંકાસ્પદ મેસેજ મળતા તરત 1930 હેલ્પલાઈન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now