PGCET 2026: ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને પ્લાનિંગના અનુસ્નાતક (Postgraduate) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા PGCET-2026 (Postgraduate Common Entrance Test)નું આયોજન 27 અને 28 જૂનના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, જેમણે GATE અથવા GPAT જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા આપી નથી અથવા તેમાં જરૂરી ક્વોલિફાઈંગ સ્કોર મેળવી શક્યા નથી. જોકે, અંતિમ પ્રવેશ પ્રક્રિયામાં GATE અને GPATમાં માન્ય સ્કોર ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
5 હજારથી વધુ ઉમેદવારોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
GTUના સત્તાવાર આંકડા મુજબ PGCET-2026 માટે કુલ 5,107 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમાંમાંથી અંદાજે 4,656 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધાયેલા ઉમેદવારો હવે પોતાના ઓનલાઈન કૅન્ડિડેટ લોગિન પોર્ટલ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર, સમય અને અન્ય જરૂરી સૂચનાઓ એડમિટ કાર્ડમાં આપવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થાય તે પહેલાં સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
10 હજારથી વધુ પીજી બેઠકો પર મળશે પ્રવેશ
PGCET મારફતે રાજ્યભરમાં 10 હજારથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.
આ બેઠકોમાં વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે:
ME/MTech (એન્જિનિયરિંગ): 6,405 બેઠકો (86 સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં)
MPharm (ફાર્મસી): 3,333 બેઠકો (75 કોલેજોમાં)
MPlan (પ્લાનિંગ): 289 બેઠકો (10 સંસ્થાઓમાં)
રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ આ બેઠકો માટે PGCET મહત્વની પ્રવેશ પરીક્ષા માનવામાં આવે છે.
આ પણ વાંચો: RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે નોકરીની મોટી તક : દર મહિને મળશે રૂ.1.5 લાખ સ્ટાઈપેન્ડ, જાણો શું કામ કરવાનું રહેશે
GATE અને GPAT ઉમેદવારોને રહેશે પ્રથમ પ્રાથમિકતા
PGCET એવા વિદ્યાર્થીઓ માટે બીજી તક સમાન છે, જેમણે GATE અથવા GPAT પરીક્ષા આપી નથી અથવા તેમાં ઇચ્છિત સ્કોર મેળવી શક્યા નથી. જોકે, પ્રવેશ માટે તૈયાર થનારી અંતિમ મેરિટ યાદીમાં માન્ય GATE અથવા GPAT સ્કોર ધરાવતા ઉમેદવારોને પ્રથમ સ્થાન આપવામાં આવશે. તે બાદ બાકીની બેઠકો માટે PGCETના ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સારો સ્કોર મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચનાઓ
GTUએ ઉમેદવારોને પરીક્ષા પહેલા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલી તમામ વિગતો ચકાસવાની અપીલ કરી છે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવું, માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવો અને પરીક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે PGCET આપે છે અને આ પરીક્ષા રાજ્યની ટેક્નિકલ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.





