Home National Rbi Young Professionals Recruitment 2026 Apply Online Stipend 1 5 Lakh

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે નોકરીની મોટી તક : દર મહિને મળશે રૂ.1.5 લાખ સ્ટાઈપેન્ડ, જાણો શું કામ કરવાનું રહેશે

RBI Recruitment 2026
Published by: Nirali Gohil
Last Updated: Jun 24, 2026, 08:20 AM IST

RBI Recruitment 2026: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સાથે કામ કરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. દેશની કેન્દ્રીય બેન્કે ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ 2026’ હેઠળ ભરતી માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે. આ કાર્યક્રમનો હેતુ પ્રતિભાશાળી યુવાનોને બેન્કિંગ, અર્થવ્યવસ્થા, નીતિ નિર્માણ અને નાણાકીય સંશોધન જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક અનુભવ આપવાનો છે. ખાસ વાત એ છે કે, પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ₹1.5 લાખનું આકર્ષક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હશે, પરંતુ યુવાનોને RBI જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાની અને દેશની આર્થિક નીતિઓ સાથે જોડાવાની અનોખી તક મળશે.

શું છે યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ?

RBI દ્વારા શરૂ કરાયેલ યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ એવા યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ અર્થશાસ્ત્ર, નાણાંકીય ક્ષેત્ર અને જાહેર નીતિઓમાં રસ ધરાવે છે. પસંદ થયેલા ઉમેદવારોને બેન્કના વિવિધ વિભાગોમાં કામ કરવાની તક મળશે, જ્યાં તેઓ દેશની આર્થિક વ્યવસ્થાને સમજવા ઉપરાંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન આપી શકશે. આ કાર્યક્રમ હેઠળ ઉમેદવારોને નીતિ નિર્માણ પ્રક્રિયા, ડેટા એનાલિસિસ, આર્થિક સંશોધન અને ડિજિટલ ફાઇનાન્સ સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અનુભવ મળશે.

મુખ્ય જવાબદારીઓ શું રહેશે?

યંગ પ્રોફેશનલ્સ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને વિવિધ આર્થિક અને નીતિગત સંશોધન કાર્યોમાં સહયોગ આપવો પડશે. ઉપરાંત દેશ અને વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનોનું વિશ્લેષણ કરવું, ડેટા આધારિત રિપોર્ટ્સ તૈયાર કરવાં અને RBIની આંતરિક ટીમોને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો પડશે. આ ઉપરાંત ફાઇનાન્સિયલ સ્ટડીઝ, પોલિસી એનાલિસિસ અને બેન્કિંગ ક્ષેત્રના નવા ટ્રેન્ડ્સ પર પણ કામ કરવાની તક મળશે, જે ઉમેદવારોના વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર 2 - image

દર મહિને મળશે રૂ.1.5 લાખ સ્ટાઈપેન્ડ

આ ભરતીની સૌથી મોટી વિશેષતા તેનું આકર્ષક સ્ટાઈપેન્ડ છે. RBI દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ..1.5 લાખનું ફિક્સ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. શરૂઆતમાં આ નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. જો ઉમેદવારની કામગીરી સંતોષકારક રહેશે અને બંને પક્ષોની સહમતિ હશે તો કરારનો સમયગાળો વધારી શકાય છે. જોકે કુલ કાર્યકાળ પાંચ વર્ષથી વધુ નહીં હોય.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો RBIની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ સૌથી પહેલા ‘Young Professionals Programme 2026’ સંબંધિત લિંક ખોલવી પડશે. ત્યારબાદ અરજી ફોર્મમાં વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો અને જરૂરી વ્યાવસાયિક માહિતી ભરવાની રહેશે. અંતે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરવી પડશે.

અરજી કરતા પહેલા શું ધ્યાન રાખવું?

ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ શરતો અને લાયકાતની માહિતી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મની નકલ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખવી પણ જરૂરી છે. બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે RBIનું આ પ્રોગ્રામ એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે, કારણ કે અહીં માત્ર ઊંચું સ્ટાઈપેન્ડ જ નહીં પરંતુ દેશની સૌથી પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થામાં કામ કરવાનો અનુભવ પણ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now