Lucknow Fire Tragedy: લખનઉના અલીગંજ વિસ્તારમાં બનેલી ભયાનક અગ્નિકાંડની ઘટના બાદ હવે તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્રણ માળની ઈમારતમાં લાગેલી આગમાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતમાં આ ઘટનાને માત્ર દુર્ઘટના માનવામાં આવી રહી હતી, પરંતુ હવે લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA)ની તપાસે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર અકસ્માત નહીં પરંતુ લાંબા સમયથી ચાલતી વહીવટી બેદરકારી અને સુરક્ષા નિયમોની અવગણનાનું પરિણામ હતું. LDA દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસમાં કુલ 18 અધિકારીઓ અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અને તેના પર દેખરેખ રાખતી એજન્સીઓની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
તપાસમાં 18 અધિકારીઓ અને એન્જિનિયરો દોષી
LDAની આંતરિક તપાસ મુજબ પાંચ ઝોનલ અધિકારીઓ સહિત કુલ 18 અધિકારીઓ અને એન્જિનિયરો વિવિધ સ્તરે બેદરકારી માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈમારતના ઉપયોગ, સુરક્ષા વ્યવસ્થા અને ગેરકાયદેસર ફેરફારો અંગે અનેક વખત સંકેતો મળ્યા હોવા છતાં જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. આ પહેલાં પણ LDAએ એક જુનિયર એન્જિનિયર અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા હતા. હવે નવી તપાસ બાદ વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લખનઉ આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં : કાનપુરમાં 16 કોચિંગ સેન્ટર સીલ, 22 અન્ય પણ રડાર પર
રહેણાંક માટે મંજૂર, પરંતુ વ્યાવસાયિક ઉપયોગમાં
તપાસ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ખુલાસો એ થયો કે સંબંધિત ઈમારતનો નકશો રહેણાંક ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે વાસ્તવિક સ્થિતિમાં ઈમારતનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. રહેણાંક ઈમારતમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને વ્યવસાયિક કામગીરી થતી હોવા છતાં કોઈ અસરકારક નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. નિષ્ણાતોનું માનવું છે કે રહેણાંક માળખાને વ્યાવસાયિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા સમયે વધારાના સુરક્ષા ધોરણો જરૂરી બને છે, પરંતુ અહીં તે સંપૂર્ણપણે ગેરહાજર હતા.
2016નો તોડફોડ આદેશ પણ રદ કરાયો હતો
તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. વર્ષ 2016માં આ ઈમારતમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે તોડફોડનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે બાદમાં આ આદેશ રદ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ તે સમયના સત્તાધિકારી દુર્ગેશ શ્રીવાસ્તવે તોડફોડનો આદેશ રદ કર્યો હતો. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો હતો અને તેના કારણે ગેરકાયદેસર માળખું વર્ષો સુધી કેવી રીતે યથાવત રહ્યું.
ફાયર સેફ્ટીની ગંભીર ખામીઓ બની મોતનું કારણ
અગ્નિકાંડ દરમિયાન સૌથી મોટી સમસ્યા ધુમાડાના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાની હતી. આગ લાગ્યા બાદ સમગ્ર ઈમારત અને રૂમોમાં ઝડપથી ધુમાડો ફેલાઈ ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મોટાભાગના લોકોનું મૃત્યુ આગની જ્વાળાઓથી નહીં પરંતુ ગૂંગળાઈ જવાના કારણે થયું હતું. જો ઈમારતમાં ધુમાડો બહાર કાઢવાની આધુનિક વ્યવસ્થા હોત તો જાનહાનિનું પ્રમાણ ઘણું ઓછું રહી શકત. ફાયર વિભાગ અને NDRFની ટીમોને પણ બચાવ કામગીરી દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દીવાલ તોડીને પ્રવેશ કરવો પડ્યો હતો, જે ઈમારતની અસુરક્ષિત રચનાનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.
માત્ર એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો
તપાસમાં સામે આવ્યું છે કે ઈમારતમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે માત્ર એક જ મુખ્ય માર્ગ હતો. આ માર્ગ પર એર કન્ડિશનરના પેનલ, વીજ વાયર અને અન્ય ઉપકરણો ગોઠવાયેલા હતા. આગ લાગ્યા બાદ આ એકમાત્ર રસ્તો પણ ધુમાડો અને ગરમીથી પ્રભાવિત થઈ ગયો હતો, જેના કારણે અંદર રહેલા લોકો માટે બહાર નીકળવું લગભગ અશક્ય બની ગયું હતું. કોઈ વૈકલ્પિક અથવા ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા નહોતી, જે ફાયર સેફ્ટીના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.
આ પણ વાંચો: લખનઉ અગ્નિકાંડમાં 15નાં મોત બાદ મોટો ખુલાસો : જે બિલ્ડિંગ 10 વર્ષ પહેલા તોડવાની હતી, તેમાં જ ભડકી વિનાશક આગ
વીજ વ્યવસ્થા અને સાધનો પણ સુરક્ષા ધોરણો વિરુદ્ધ
FIR અને તપાસ અહેવાલમાં જણાવાયું છે કે ઈમારતમાં વીજ વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો સુરક્ષા ધોરણો મુજબ સ્થાપિત કરવામાં આવ્યા નહોતા. એસીના આઉટર યુનિટ અને અન્ય મશીનો પણ નિયમોના વિરુદ્ધ રીતે લગાવવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓનું માનવું છે કે, આવી ગેરવ્યવસ્થિત સ્થાપનાઓએ આગ ફેલાવાની ગતિ વધારી હોઈ શકે છે. સાથે જ ઈમારતના સંચાલકોને સંભવિત જોખમની જાણ હોવા છતાં જરૂરી સુરક્ષા સુધારાઓ કરવામાં આવ્યા નહોતા.
તંત્રની જવાબદારી પર ઉઠ્યા સવાલ
આ દુર્ઘટના બાદ લખનઉમાં રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલી વ્યાવસાયિક પ્રવૃત્તિઓની વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે રહેણાંક હેતુ માટે મંજૂર થયેલી ઈમારત વર્ષો સુધી વ્યાવસાયિક ઉપયોગમાં રહી છતાં સંબંધિત વિભાગો કેવી રીતે અજાણ રહ્યા. લઆ ઘટના માત્ર એક ઈમારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના અનેક શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા નિયમોની અવગણના કરીને ચાલતા વ્યવસાયિક એકમો માટે પણ ચેતવણીરૂપ બની છે. હવે સરકાર અને સ્થાનિક સત્તાધિકારીઓ પર દબાણ વધી રહ્યું છે કે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક દેખરેખ અને જવાબદારી નક્કી કરવામાં આવે.





