Himachal Pradesh Bridge Collapse: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં મંગળવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નેશનલ હાઈવે-5 પર આવેલો લગભગ 190 ફૂટ લાંબો બેલી બ્રિજ અચાનક ધરાશાયી થઈ જતાં તેના પરથી પસાર થઈ રહેલો રેતી ભરેલો ટ્રક સીધો સતલજ નદીમાં ખાબક્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકનો જીવ બચી ગયો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પુલ તૂટતા જ ટ્રક નદીમાં પડી જાય છે, જ્યારે તેની પાછળ ઉભેલી એક કારનો ચાલક સમયસર સાવચેત થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.
પુલની ક્ષમતા કરતાં વધુ વજન હોવાની આશંકા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેલી બ્રિજની વજન ક્ષમતા 28 ટન નક્કી કરવામાં આવી હતી. જોકે અકસ્માત સમયે પુલ પરથી પસાર થઈ રહેલો 10 ટાયરવાળો ડમ્પર ક્ષમતા કરતાં વધુ વજન લઈ જઈ રહ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પુલની નિયમિત તપાસ અને જાળવણી કરવામાં આવતી હતી અને 5 જૂનના રોજ તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પુલ તૂટવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
સતલજ નદીમાં પડ્યો ટ્રક, ડ્રાઈવર સુરક્ષિત
ઘટના સમયે ડમ્પર ટ્રક પુલનો મોટાભાગનો ભાગ પાર કરી ચૂક્યો હતો. પરંતુ સામેના છેડે પહોંચતા પહેલા જ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને ટ્રક સીધો નીચે સતલજ નદીમાં ખાબક્યો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રક ચાલકને તાત્કાલિક બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
2016માં બનાવાયો હતો વૈકલ્પિક બેલી બ્રિજ
ઉરની ધાંક વિસ્તાર હિમાચલના સૌથી વધુ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાંનો એક ગણાય છે. અહીં વારંવાર પથ્થરો અને કાટમાળ પડતા હોવાથી મુખ્ય માર્ગ પર અવરજવર ખોરવાતી રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં સતલજ નદી પર લગભગ 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો હતો.
ટ્રાફિક પર મોટી અસર નહીં
પુલ તૂટી પડ્યા બાદ શરૂઆતમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ તંત્રે ઝડપથી કાર્યવાહી કરીને જૂના માર્ગને ફરી કાર્યરત કરી દીધો હતો. જેના કારણે નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી. આ માર્ગ કિન્નોર, શિમલા તેમજ ભારત-તિબેટ સરહદી વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેને વહેલી તકે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે.
સુરંગનું કામ પણ ચાલી રહ્યું છે
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારને કાયમી રીતે સુરક્ષિત બનાવવા માટે હાલમાં સુરંગ (ટનલ) બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ટનલ પૂર્ણ થયા બાદ કુદરતી આફતો, ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે માર્ગ બંધ થવાની સમસ્યામાં ઘટાડો થશે અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનશે.
આ પણ વાંચો: PM મોદીને ઈરાનથી ખાસ આમંત્રણ! : જાણો આખરે કયા મોટા કાર્યક્રમમાં બોલાવાયા
તપાસ બાદ સામે આવશે સાચું કારણ
હાલ પોલીસ, NHAI અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પુલ તૂટવાનું કારણ ઓવરલોડિંગ હતું કે કોઈ ટેક્નિકલ ખામી, તે અંગેનો ખુલાસો તપાસ રિપોર્ટ આવ્યા બાદ થશે. આ ઘટના બાદ પર્વતીય વિસ્તારોમાં આવેલા જૂના પુલોની સુરક્ષા અને તેમની ક્ષમતા અંગે પણ નવા સવાલો ઊભા થયા છે.





