Home Gujarat Bhavnagar Shakur Basti Special Train Extended July 2026

પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય : ભાવનગર-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાઈ, જાણો કયા સુધી રહેશે ચાલુ

ટ્રેનના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 07:00 AM IST

મુસાફરોની વધતી સંખ્યા અને તહેવારોની સીઝન-2026 દરમિયાન વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વિશેષ ભાડા પર 'ઓન ડિમાન્ડ' શ્રેણી હેઠળ દોડતી ભાવનગર-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેનની સેવા વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાત અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રિકોને રાહત મળશે.

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ટ્રેન નં. 09257 ભાવનગર-શકૂર બસ્તી સ્પેશિયલ અગાઉ 26 જૂન, 2026 સુધી જ ચલાવવાની હતી. હવે આ ટ્રેન 31 જુલાઈ, 2026 સુધી દોડશે. ટ્રેન દર શુક્રવારે બપોરે 2:20 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે એટલે કે શનિવારે સવારે 10:55 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે.

પરત ફરતી ટ્રેનની સેવાઓ પણ વધારાઈ

તે જ રીતે ટ્રેન નં. 09258 શકૂર બસ્તી-ભાવનગર સ્પેશિયલ અગાઉ 27 જૂન, 2026 સુધી જ ચલાવવાની હતી. હવે તેની સેવા 1 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર શનિવારે બપોરે 1:15 વાગ્યે શકૂર બસ્તીથી ઉપડશે અને બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 8:50 વાગ્યે ભાવનગર પહોંચશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરોની સુવિધા, વધતી માંગ અને તહેવારો દરમિયાન વધતા ટ્રાફિકને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની અવધિ લંબાતા ભાવનગર સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિલ્હી અને ઉત્તર ભારત તરફની મુસાફરીમાં વધુ અનુકૂળતા મળશે.

આ પણ વાંચો: સરકારી શિક્ષણ પર વધ્યો વિશ્વાસ : સુરતમાં 5,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને લીધો પ્રવેશ

25 જૂનથી શરૂ થશે એડવાન્સ રિઝર્વેશન

ટ્રેનના વધારાના ફેરા માટેનું એડવાન્સ રિઝર્વેશન 25 જૂન, 2026થી શરૂ કરવામાં આવશે. મુસાફરો તમામ કમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ તેમજ IRCTCની વેબસાઇટ મારફતે ટિકિટ બુક કરાવી શકશે. રેલવે વિભાગે મુસાફરોને સમયસર રિઝર્વેશન કરાવવાની પણ અપીલ કરી છે, જેથી વધતી માંગ વચ્ચે સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે. આ નિર્ણય ખાસ કરીને ઉત્તર ભારત જતાં શ્રમિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરતા યાત્રિકો માટે લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now