Rajkot : રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન અભિયાન દરમિયાન થયેલા ખાણીપીણીના અંદાજે ₹27 લાખના બિલને લઈને રાજકારણ ગરમાયું છે. RMCના જનરલ બોર્ડની બેઠક પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કાજુકતરી બતાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આ બિલમાં ગંભીર ગેરરીતિ હોવાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર અને વોર્ડ નં. 15ના સભ્ય મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો કે રજૂ કરાયેલા બિલમાં જાફર ટી સ્ટોલમાંથી કાજુ કતરી અને ખજૂર રોલ ખરીદ્યાનો ઉલ્લેખ છે, જ્યારે આ દુકાનમાં આવી મીઠાઈ વેચાતી જ નથી અને ત્યાં માત્ર ચા-નાસ્તો ઉપલબ્ધ છે. તેમના મતે આ બિલ વિશ્વસનીય જણાતું નથી અને તેમાં ભ્રષ્ટાચારની આશંકા છે.
'ડિમોલિશન કે ભોજન સમારંભ?'
મકબુલ દાઉદાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવા અધિકારીઓ ગયા હતા કે પિકનિક મનાવવા, તેવો સવાલ હવે લોકોમાં ઉઠી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં એક તરફ ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકો પોતાના ઘર તૂટતાં દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ અધિકારીઓ એસી હોલમાં બેસીને સમોસા, કાજુ કતરી, ખજૂર રોલ સહિતનો નાસ્તો કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન જમણવાર અને પ્રચારમાં પણ આટલો ખર્ચ થતો નથી, જ્યારે એક ડિમોલિશન કામગીરી દરમિયાન ખાણીપીણી પાછળ લાખો રૂપિયાનું બિલ રજૂ કરાયું છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ આ પ્રજાના પૈસાનો દુરુપયોગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં 'ચા-નાસ્તા કાંડ'? : જંગલેશ્વર ડિમોલેશન સમયે અધિકારીઓએ ₹27 લાખનો કર્યો નાસ્તો, બિલ ના થયું પાસ
કમિશનરની ભૂમિકાને લઈને પણ ઉઠાવ્યા સવાલ
મકબુલ દાઉદાણીએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સંબોધતા જણાવ્યું કે આ પ્રકારની દરખાસ્ત કમિશનરના ટેબલ પરથી જ નામંજૂર થવી જોઈએ હતી અને તેને સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચવા દેવી જ ન જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે જો આવી ફાઇલ સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચી હોય તો તેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર બિલની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને જો કોઈ પ્રકારની ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચનું અંદાજે ₹27 લાખનું બિલ ચર્ચામાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને મંજૂરી આપતા પહેલાં અટકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હવે સત્તાધારી પક્ષ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. હાલ મહાનગરપાલિકા તરફથી કોંગ્રેસના આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.






