Home Gujarat Rajkot Rajkot Rmc Jangleshwar Demolition Food Bill Controversy

રાજકોટ મનપામાં 'ચા-નાસ્તા કાંડ'? : જંગલેશ્વર ડિમોલેશન સમયે અધિકારીઓએ ₹27 લાખનો કર્યો નાસ્તો, બિલ ના થયું પાસ

રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટિની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 24, 2026, 12:31 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન અભિયાનને લઈને હવે નવા વિવાદે જન્મ લીધો છે. ડિમોલેશન કામગીરી દરમિયાન ખાણી-પીણી પાછળ થયેલા લાખો રૂપિયાના ખર્ચને લઈને કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ રજૂ થયેલા બિલોમાં અસંગતતા અને શંકાસ્પદ ખર્ચને ધ્યાનમાં રાખીને દરખાસ્તને હાલ પેન્ડિંગ રાખી દીધી છે. જેના કારણે સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણી-પીણી માટે કુલ રૂ. 27 લાખ 20 હજારનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં દર્શાવાયેલા ખર્ચ અને વસ્તુઓની માત્રા જોઈને અનેક સવાલો ઊભા થયા છે. વિપક્ષી આગેવાનો ઉપરાંત મનપાના કેટલાક સભ્યો પણ આ ખર્ચ અંગે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે.

કાજુકતરી અને નાસ્તાના બિલે ચોંકાવ્યા

બિલની વિગતો અનુસાર ડિમોલેશન કામગીરી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાજુકતરી, સમોસા, ખજૂર રોલ અને ખમણ જેવી નાસ્તાની વસ્તુઓ મંગાવવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 150 નંગ પ્લેટના નાસ્તાનું બિલ રૂ. 34,650 રજૂ કરવામાં આવ્યું છે.

આ હિસાબે એક પ્લેટનો ખર્ચ આશરે રૂ. 231 જેટલો થાય છે. સામાન્ય નાગરિકોમાં ચર્ચા છે કે એક તરફ ડિમોલેશન જેવી સરકારી કામગીરી ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ અધિકારીઓ માટે મોંઘા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને કાજુકતરી જેવી મીઠાઈના ખર્ચે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

આ પણ વાંચો: દાયકાઓ જૂના સુભાષબ્રિજને તોડી પડાશે : અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો નિર્ણય, જાણો કારણ

ચા-કોફી અને બિસ્કિટ પાછળ 6.30 લાખનો ખર્ચ

વિવાદનું સૌથી મોટું કારણ ચા-કોફી અને બિસ્કિટના બિલને લઈને બન્યું છે. આરાધના ટી સ્ટોલના નામે રજૂ કરાયેલા બિલ મુજબ કુલ રૂ. 6,30,946નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. બિલમાં જણાવાયું છે કે ડિમોલેશન દરમિયાન અંદાજે 21,000 કપ ચા પીવામાં આવી હતી. ઉપરાંત 4,000 બોટલ લીંબુ શરબતનો પણ વપરાશ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડાઓને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. મનપાના કેટલાક સભ્યોનું કહેવું છે કે જો આ આંકડા સાચા હોય તો ડિમોલેશન સ્થળે હાજર રહેલા લોકોની સંખ્યા અને કામગીરીના દિવસોની વિગત પણ જાહેર થવી જોઈએ. અન્યથા આ ખર્ચ વાજબી ગણાવી શકાય નહીં.

પ્રેમવતી રેસ્ટોરન્ટના બિલે વધારી શંકા

ડિમોલેશન કામગીરી દરમિયાન ભોજન માટે પ્રેમવતી રેસ્ટોરન્ટનું રૂ. 20 લાખ 68 હજારનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. માત્ર ભોજન પાછળ જ આટલી મોટી રકમ ખર્ચાઈ હોવાનો દાવો થતાં સમગ્ર મામલે વધુ શંકા ઊભી થઈ છે. વિપક્ષી આગેવાનોનું કહેવું છે કે આટલી મોટી રકમનો ખર્ચ ખરેખર થયો હતો કે નહીં તેની સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે. સરકારી નાણાંનો ઉપયોગ પારદર્શક રીતે થયો છે કે કેમ તે અંગે પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

આ પણ વાંચો: “આખો દિવસ ટીવી અને ટીવી છૂટ્યું તો મોબાઈલ..." : દાહોદના શાળા પ્રવેશોત્સવમાં CMએ બાળકોને સમજાવી ડિજિટલ ડિસિપ્લિનની વાત

સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું

મામલો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હોવાનું કહેવાય છે કે બિલમાં દર્શાવાયેલા ખર્ચ અંગે સ્પષ્ટતા અને પૂરતા દસ્તાવેજી પુરાવા મળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. તેથી હાલ માટે રૂ. 27.20 લાખના બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ નિર્ણયને કારણે હવે સંબંધિત વિભાગો પાસેથી વિગતવાર હિસાબ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

રાજકીય માહોલ ગરમાયો

આ મુદ્દો સામે આવતા રાજકોટના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. વિપક્ષ દ્વારા આ સમગ્ર મામલે કડક તપાસની માંગ કરવામાં આવી રહી છે. વિપક્ષનું કહેવું છે કે જો ખરેખર ખાણી-પીણીના બિલોમાં ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

બીજી તરફ સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોનું કહેવું છે કે ડિમોલેશન જેવી મોટી કામગીરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને અધિકારીઓ તૈનાત હતા, જેના કારણે ખર્ચ વધ્યો હોઈ શકે છે. જોકે તેઓ પણ ખર્ચની પારદર્શક તપાસ થવી જોઈએ તે બાબતે સહમત હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: આણંદમાં ACBનો સફળ ટ્રેપ : તલાટી અને VCE ને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

પારદર્શિતા અંગે ફરી ઉઠ્યા સવાલો

જંગલેશ્વર ડિમોલેશન પહેલેથી જ શહેરમાં ચર્ચાનો વિષય રહ્યું હતું. હવે તેની સાથે જોડાયેલા ખાણી-પીણીના લાખો રૂપિયાના બિલો સામે આવતા મનપાની નાણાકીય વ્યવસ્થા અને ખર્ચની પ્રક્રિયા અંગે ફરી સવાલો ઊભા થયા છે.

નાગરિકોનું માનવું છે કે સરકારી નાણાં લોકોના કરમાંથી આવે છે, તેથી દરેક ખર્ચનો સ્પષ્ટ હિસાબ જાહેર થવો જોઈએ. ખાસ કરીને જ્યારે લાખો રૂપિયાની રકમ ખાણી-પીણી પાછળ ખર્ચાઈ હોવાનું દર્શાવવામાં આવે ત્યારે પારદર્શિતા વધુ જરૂરી બની જાય છે. હાલ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી અને મનપા તંત્રના આગામી નિર્ણય પર સૌની નજર છે. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક મોટા વિવાદનો પર્દાફાશ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now