Home Gujarat Cm Bhupendra Patel Message On Mobile And Tv Usage At Dahod School Praveshotsav

“આખો દિવસ ટીવી અને ટીવી છૂટ્યું તો મોબાઈલ..." : દાહોદના શાળા પ્રવેશોત્સવમાં CMએ બાળકોને સમજાવી ડિજિટલ ડિસિપ્લિનની વાત

CM Bhupendra Patel Dahod School Praveshotsav
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 24, 2026, 12:08 PM IST

CM Bhupendra Patel Dahod School Praveshotsav: ગુજરાતમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલી મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો અને બાળકોને શિક્ષણ સાથે ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. બાળકો સાથે હળવા અંદાજમાં વાતચીત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “આખો દિવસ ટીવી અને ટીવી છૂટ્યું તો મોબાઈલ... પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને.” મુખ્યમંત્રીની આ વાત સાંભળીને ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ સાથે જ તેમણે બાળકોને ટેક્નોલોજીનો સદુપયોગ કરવાની અને અભ્યાસને પ્રાથમિકતા આપવાની પણ શીખ આપી હતી.

દાહોદમાં શાળા પ્રવેશોત્સવને મળ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશ મેળવનાર બાળકો ઉપરાંત પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોને કુમકુમ તિલક કરીને અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જ્ઞાનના નવા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

કાર્યક્રમ દરમિયાન રમતગમત, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ બાળકોની સિદ્ધિઓને બિરદાવીને તેમને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજના બાળકો જ આવતીકાલના ગુજરાત અને દેશનું ભવિષ્ય છે. યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા તેઓ જીવનમાં મોટી સફળતા હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે : જાણો અમદાવાદ-ગાંધીનગરના વિવિધ કાર્યક્રમો

ગ્રામ્ય વિસ્તારોના બાળકોનો આત્મવિશ્વાસ જોઈ મુખ્યમંત્રી પ્રભાવિત

કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ સ્વચ્છતા અંગે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન એક વિદ્યાર્થીનીએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને બાળકોની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહેલી નવી પેઢીમાં અસાધારણ પ્રતિભા અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. આવા બાળકો રાજ્યના ભવિષ્યને નવી દિશા આપશે.

માર્ગ સલામતી અંગે લેવડાવ્યા શપથ

બાળકોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ અભિયાન પણ યોજાયું હતું. મુખ્યમંત્રીએ ઉપસ્થિત બાળકો, વાલીઓ અને નાગરિકોને માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વધતો વ્યાપ

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના પરિણામો આજે રાજ્યના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં શિક્ષણનું જે બીજ વાવાયું હતું તે આજે વટવૃક્ષ બનીને વિકસી રહ્યું છે. રાજ્ય સરકાર શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: PM મોદીને ઈરાનથી ખાસ આમંત્રણ! : જાણો આખરે કયા મોટા કાર્યક્રમમાં બોલાવાયા

શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરવાની અપીલ

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ સૌને શિક્ષણના મહત્ત્વને સમજવા અને બાળકોને શાળામાં નિયમિત મોકલવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, શિક્ષણ જ સમાજ અને રાજ્યના વિકાસનો મજબૂત પાયો છે. સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણ પહોંચે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now