Home Gujarat Surat Valod Ashram School Girl Knife Attack Tapi

તાપીના વાલોડમાં ચોંકાવનારી ઘટના : બહેનપણીએ જ વિદ્યાર્થીની પર ચપ્પુથી કર્યો હુમલો

બેન્ચ પર પડેલું દફ્તર
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 24, 2026, 12:38 PM IST

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલી એક આશ્રમશાળામાં શાળાકીય વાતાવરણને હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની પર તેની જ સાથે અભ્યાસ કરતી અન્ય એક સગીર વિદ્યાર્થિનીએ ચપ્પુ વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં ઇજાગ્રસ્ત કિશોરીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર દરમિયાન અંદાજે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થિની છેલ્લા નવ મહિનાથી આશ્રમશાળાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વિદ્યાર્થીનીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા સંબંધિત મુદ્દે મનદુઃખ અને મતભેદ ચાલતા હતા. ઘટના દિવસે પણ બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી અને તકરાર થઈ હોવાનું જાણવા મળે છે.

બહાનું બનાવી બાથરૂમમાં બોલાવી હુમલો

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, આરોપી વિદ્યાર્થિનીએ ભોગ બનનાર કિશોરીને "પીઠ પાછળ કંઈક ચોંટેલું છે" અથવા "શર્ટમાં કંઈક ભરાઈ ગયું છે" તેવું કહી શાળાના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ બંને વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે તકરાર વધતા હુમલાખોર વિદ્યાર્થિનીએ પોતાની પાસે સંતાડી રાખેલું તીક્ષ્ણ ચપ્પુ બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તેણે ભોગ બનનાર કિશોરીનું ગળું પકડી તેને જમીન પર પછાડી દીધી હતી અને હાથ પર જોરદાર ઘા ઝીંક્યા હતા. અચાનક થયેલા હુમલાથી વિદ્યાર્થિની ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી.

આ પણ વાંચો: પિટબુલથી કરડાવ્યા, બંધક બનાવી હંટર માર્યા! : મીઠું-રોટલી ખવડાવી 24 કલાક મજૂરોને કરાવતા હતા આવું કામ, ચોંકાવનારો કિસ્સો

ગંભીર ઈજાઓ, સુરત રીફર કરાઈ

હુમલા બાદ શાળા સંચાલન અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને પ્રથમ વ્યારા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેની ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા મુજબ, ચપ્પુનો ઘા અત્યંત ઊંડો હતો અને હાથની અંદર સુધી પહોંચ્યો હતો. સારવાર દરમિયાન કિશોરીના હાથમાં આશરે 20 ટાંકા લેવા પડ્યા હતા. હાલ તે તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે.

હાથની ધોરી નસો અને ચેતાતંતુઓને નુકસાન

તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલાના કારણે કિશોરીના હાથને ગંભીર નુકસાન થયું છે. ચપ્પુના ઘાથી હાથની મુખ્ય ધોરી નસો તરીકે ઓળખાતી અલ્નર આર્ટરી અને રેડિયલ આર્ટરીને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. ઉપરાંત હાથ અને આંગળીઓના હલનચલન માટે જવાબદાર કેટલાક ચેતાતંતુઓ અને સ્નાયુઓને પણ ગંભીર અસર પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હાલ તબીબો દ્વારા સતત સારવાર અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે, ઈજાની ગંભીરતા અંગેનો અંતિમ તબીબી અભિપ્રાય હજુ બહાર આવ્યો નથી.

પોલીસે સગીરાની અટકાયત કરી

ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરીને હુમલો કરનાર સગીર વિદ્યાર્થિનીની અટકાયત કરી છે. હુમલામાં વપરાયેલ ચપ્પુ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. નાયબ જિલ્લા પોલીસ વડા પ્રમોદ નરવડેના જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીનીઓ વચ્ચે અગાઉથી મિત્રતા બાબતે વિવાદ ચાલતો હતો. ગુસ્સામાં આવીને એક સગીરાએ બીજી પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા આશ્રમશાળાના સંચાલકો, શિક્ષકો તેમજ સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: માત્ર દરવાજો બંધ કરવા કહ્યું... અને યુવકની ચાકૂ મારી હત્યા! : 24 કલાકમાં આરોપી ઝડપાયો, જાણો શું છે મુંબઈ લોકલની ચોંકાવનારી આખી ઘટના

વાલીઓમાં ચિંતા, સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો

આ ઘટનાએ માત્ર વાલોડ જ નહીં પરંતુ સમગ્ર તાપી જિલ્લામાં ચિંતા ફેલાવી છે. શાળા અને હોસ્ટેલ જેવા સુરક્ષિત ગણાતા વાતાવરણમાં બે સગીર વિદ્યાર્થીનીઓ વચ્ચે આ પ્રકારની હિંસક ઘટના બનતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. ઘટનાએ શાળાઓ અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, કાઉન્સેલિંગ વ્યવસ્થા અને સુરક્ષા અંગેના પ્રશ્નોને ફરી ચર્ચામાં લાવ્યા છે. પોલીસ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now