Mumbai Local Train Murder Case: મુંબઈની લોકલ ટ્રેનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી એકવાર મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ભારે વરસાદ દરમિયાન ટ્રેનનો દરવાજો બંધ રાખવો કે ખુલ્લો રાખવો તે મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડા જ મિનિટોમાં જીવલેણ હુમલામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં 22 વર્ષીય યુવક મયંક લોહારનું મોત થયું હતું. જોકે ઘટનાના થોડા જ કલાકોમાં રેલવે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મયંક લોહાર વિરારનો રહેવાસી હતો અને અંધેરી સ્થિત ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. રોજની જેમ કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા મયંક માટે આ મુસાફરી જીવનની છેલ્લી મુસાફરી સાબિત થઈ.
ભારે વરસાદ વચ્ચે ટ્રેનમાં શરૂ થયો વિવાદ
માહિતી મુજબ મયંક ચર્ચગેટથી નાલાસોપારા જતી ફાસ્ટ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી કોચનો દરવાજો ખુલ્લો હતો. મયંકે અન્ય એક મુસાફરને દરવાજો બંધ કરવા જણાવ્યું હતું. આ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં વાત એટલી વધી ગઈ કે આરોપીએ ગુસ્સામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે મયંકના પેટમાં ઘા ઝીંકી દીધો. હુમલા બાદ મયંક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને કોચમાં હાજર અન્ય મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ટ્રેન બોરીવલી પહોંચતા પહેલાં જ આરોપી ફરાર
ઘટના અંધેરી અને બોરીવલી સ્ટેશન વચ્ચે બની હતી. ટ્રેન બોરીવલી સ્ટેશન તરફ આગળ વધી રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઈને ટ્રેન સંપૂર્ણપણે રોકાય તે પહેલાં જ નીચે કૂદી ફરાર થઈ ગયો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક કોચ સુધી પહોંચ્યા હતા. ઘાયલ મયંકને સ્ટ્રેચર મારફતે બહાર કાઢીને પ્રથમ બોરીવલી સ્ટેશનના મેડિકલ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. પછી તેને વધુ સારવાર માટે કાંદિવલી સ્થિત શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
CCTV અને ટેક્નિકલ તપાસથી આરોપી સુધી પહોંચી પોલીસ
ઘટના બાદ બોરીવલી GRP દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીને ઝડપવા માટે રેલવે પોલીસે કુલ છ વિશેષ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન સ્ટેશનોના CCTV ફૂટેજ, મુસાફરોના નિવેદનો અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીની ઓળખ રોશન સુવર્ણા તરીકે કરવામાં આવી હતી. આરોપીની ઉંમર આશરે 30 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના પિતાની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે આરોપીનું લોકેશન મળી આવ્યું અને અંતે તેને કુર્લા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો.
આ પણ વાંચો: કોણ છે શાતિર સિયા? : ઉદયપુરમાં ભવ્ય લગ્ન થવાના હતા પણ કરોડોની વારસદારે મોતનો ખેલ ખેલ્યો
હત્યાના કારણની તપાસ ચાલુ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેનનો દરવાજો બંધ કરવા અંગે થયેલી બોલાચાલી જ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ હતી. જોકે પોલીસે હજુ પણ તમામ પાસાઓની તપાસ ચાલુ રાખી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલ હથિયાર ક્યાંથી આવ્યું અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં.
મુસાફરોની સુરક્ષા અંગે ફરી ઉઠ્યા પ્રશ્નો
મુંબઈ લોકલ ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં ફર્સ્ટ ક્લાસ કોચમાં બનેલી આ ઘટના મુસાફરોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે. સામાન્ય બોલાચાલી કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તે પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે. રેલવે તંત્ર અને પોલીસ બંને માટે આવી ઘટનાઓને રોકવા વધુ અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.





